ટીંબીના જાગૃત ખેડૂતપુત્ર ઘનશ્યામભાઈ ભાલાળાએ ગામની ગૌચર જમીન દબાણ અને જમીન માપણીનું કામ કમોસમી વરસાદ અને કોઈ અનિવાર્ય સંજોગોમાં જૂન/ જૂલાઇ મહિના પછી અધુરું રહેલ છે તેને પૂર્ણ કરવા માગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગૌચર જમીનમાં ઘણા આસામીઓએ પાકા મકાન, બગીચા અને ખેતીલાયક જમીનનું દબાણ કરેલ છે. આથી ખેડૂતોના ઘણા રસ્તા પણ બ્લોક થઇ ગયા છે. પશુપાલકો અને માલધારી સમાજની રોજીરોટી છીનવાઇ ગઇ છે. તેને લીધે મજૂરો, પશુપાલકો, માલધારી સમાજને મુખ્ય કામ બંધ કરી બહાર હિજરત કરવાનો વારો આવી રહ્યો છે. આ બાબતે અનેક વખત લેખિત-મૌખિક રજૂઆતો તંત્રને કરી છે. ગામથી લઇને ગાંધીનગર સુધી રજૂઆત કરી છે. ટીંબી ગામની ગૌચર જમીન દબાણ અને જમીન માપણી બાબતે જો ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેમણે ખેડૂતો, પશુપાલકો, માલધારીઓ સાથે હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે.