૬ ઓગસ્ટે, ઝારખંડ કોંગ્રેસના ઓબીસી સેલ દ્વારા રાજભવન સામે એક જારદાર પ્રદર્શન કરવામાં આવશે. રાજ્ય સરકારી નોકરીઓમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે ૨૭ ટકા અનામતની માંગણી માટે આ ધરણાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સાથે ખાનગીકરણ અને આઉટ સોર્સિંગ સામે પણ અવાજ ઉઠાવવામાં આવશે. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા પ્રદીપ યાદવે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઝારખંડમાં એસટીને ૨૮%,ઓબીસીને ૨૭% અને એસસીને ૧૨% અનામત આપતું બિલ પસાર થઈ ગયું છે, પરંતુ કેન્દ્ર સરકાર અત્યાર સુધી તેના પર કાર્યવાહી કરી રહી નથી. તેમણે કહ્યું, “રાજ્યમાં ઓબીસી વસ્તી લગભગ ૫૫ ટકા છે, જ્યારે દેશમાં આ આંકડો ૫૨ ટકા છે. આવી સ્થિતિમાં,ઓબીસીને તેમના બંધારણીય અધિકારો મળવા જાઈએ.ઓબીસીને શૈક્ષણિક, આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે બંધારણમાં અનામતની સ્પષ્ટ જોગવાઈ છે.” પ્રદીપ યાદવે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ આ પ્રદર્શનમાં ભાગ લેશે અને ઓબીસી સમુદાયના અધિકારો માટેની લડાઈને મજબૂતીથી આગળ વધારવામાં આવશે. આ પ્રદર્શન દ્વારા કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરશે જેથી પસાર થયેલા અનામત બિલને મંજૂરી મળે અને ઓબીસી સમુદાયને તેમના અધિકારો સુનિશ્ચિત કરી શકાય.