ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના પૌત્રનું પર્યટન નગરના એક હોમસ્ટેમાં શંકાસ્પદ સંજાગોમાં મૃત્યુ થયું છે. રાત્રે તે પથારી પરથી પડી ગયો અને તેના મોંમાંથી ફીણ નીકળવા લાગ્યું. હોસ્પિટલમાં પહોંચ્યા પછી, ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો. મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
માહિતી મુજબ, સોમવારે પોલીસને માહિતી મળી કે એક પ્રવાસીને સિવિલ હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યો છે. પોલીસ હોસ્પિટલ  પહોંચી અને તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક, બાબુ લાલ સોરેનનો પુત્ર વીર સોરેન, તેના મિત્ર, ઉત્તર પ્રદેશના રહેવાસી અગ્નય વર્મા સાથે મનાલી આવ્યો હતો.
પોલીસને આપેલા નિવેદનમાં, અગ્નયે જણાવ્યું હતું કે મૃતક ૨૨ ફેબ્રુઆરીએ તેના મિત્રો સાથે મનાલી આવ્યો હતો. તેઓ બધા સિમસાના હોમસ્ટેમાં રોકાયા હતા. ૨૩ ફેબ્રુઆરીએ, બધા સોલાંગ અને સેતન ફરવા ગયા હતા. તેઓ તે સાંજે હોમસ્ટેમાં પાછા રોકાયા. સોમવારે, હોમસ્ટેમાં ફર્યા પછી, વીર સોરેન બપોરે ૧૨ઃ૩૦ વાગ્યાની આસપાસ સૂઈ ગયો. જ્યારે તે જાગ્યો, ત્યારે તેણે કહ્યું કે તેને ખૂબ માથાનો દુખાવો થઈ રહ્યો છે. તેના સાથીઓએ બ્લીન્કિત  દ્વારા દવા મંગાવી અને તેને આપી.
બપોરે ૨ઃ૩૦ વાગ્યે, રૂમમાંથી પડી જવાનો અવાજ સંભળાયો. પહોંચ્યા પછી, વીર સોરેન જમીન પર પડેલો જાવા મળ્યો. તેને વાહનમાં સિવિલ હોસ્પિટલ મનાલી લાવવામાં આવ્યો. તેના મોંમાંથી ફીણ નીકળવા લાગ્યું. હોસ્પિટલ માં ડોક્ટરોએ લાંબા સમય સુધી સીપીઆર કર્યું. તપાસ બાદ, ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.ડીએસપી કે.ડી. શર્માએ જણાવ્યું કે મૃતદેહને મનાલીના શબઘરમાં રાખવામાં આવ્યો છે. મૃતકના પરિવારના આગમન પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ પછી જ મૃત્યુનું કારણ નક્કી થશે.