પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરની ટિપ્પણીઓ પર ભારતે સખત નારાજગી વ્યક્ત કરી છે. અસીમ મુનીરની નિંદા કરતા વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાની સેના પ્રમુખ દ્વારા અમેરિકાની મુલાકાત દરમિયાન કરવામાં આવેલી કથિત ટિપ્પણીઓ તરફ અમારું ધ્યાન દોરવામાં આવ્યું છે. પરમાણુ શષ્ટ્રની ધમકીઓ પાકિસ્તાનની આદત છે. આવી ટિપ્પણીઓમાં રહેલી બેજવાબદારી પર આંતર રાષ્ટ્રીય સમુદાય પોતાના નિષ્કર્ષ કાઢી શકે છે. મુનીરનું નિવેદન એવા દેશમાં પરમાણુ કમાન્ડ અને નિયંત્રણની અખંડિતતા પર ઊંડા શંકાઓ તરફ ઈશારો કરે છે જ્યાં સેના આતંકવાદી જૂથો સાથે સંકળાયેલી છે. એ પણ દુઃખદ છે કે આ ટિપ્પણીઓ એક મિત્ર દેશની ધરતી પરથી કરવામાં આવી છે. ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે પરમાણુ બ્લેકમેલને વશ નહીં થાય. અમે અમારી રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેવાનું ચાલુ રાખીશું.
અગાઉ, ભારત સરકારના સૂત્રોએ કહ્યું હતું કે, ‘એ જાણીતું છે કે પરમાણુ શસ્ત્ર ના મામલે પાકિસ્તાન એક બેજવાબદાર દેશ છે. પાકિસ્તાનમાં બિન-રાજ્ય તત્વોના હાથમાં પરમાણુ શસ્ત્ર જવાનો ખતરો છે. પાકિસ્તાની આર્મી ચીફનું નિવેદન એક વલણનો ભાગ છે. એટલે કે, જ્યારે પણ અમેરિકા પાકિસ્તાની સેનાને ટેકો આપે છે, ત્યારે તેઓ હંમેશા પોતાનો સાચો રંગ બતાવે છે. આ એક સંકેત છે કે પાકિસ્તાનમાં લોકશાહી નથી. તેમની સેના જ નિયંત્રણ કરે છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘અમેરિકાના સ્વાગત અને આતિથ્યથી પ્રોત્સાહિત થઈને, આગળનું પગલું પાકિસ્તાનમાં બળવો થઈ શકે છે જેથી ફિલ્ડ માર્શલ રાષ્ટ્રીય બને.’અગાઉ, પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે ભારતને ધમકી આપી હતી. મુનીરે કહ્યું હતું કે જા ભારત સિંધુ નદીનું પાણી રોકવા માટે ડેમ બનાવશે, તો આપણી પાસે મિસાઈલોની કોઈ કમી નથી. અમે ૧૦ મિસાઈલો છોડીને ડેમને ઉડાવી દઈશું. અમેરિકાની મુલાકાતે આવેલા મુનીરે ફ્લોરિડાના ટામ્પામાં પાકિસ્તાની મૂળના ઉદ્યોગપતિ અદનાન અસદ દ્વારા આયોજિત ડિનર કાર્યક્રમમાં આ ધમકી આપી હતી.મુનીર બે મહિનામાં બીજી વખત અમેરિકા પહોંચ્યા છે. કાર્યક્રમમાં મુનીરે કહ્યું હતું કે અમે ભારત સિંધુ નદી પર ડેમ બનાવે તેની રાહ જાઈશું, અને જ્યારે તેઓ આવું કરશે, ત્યારે અમે તેને દસ મિસાઈલોથી નષ્ટ કરીશું. સિંધુ નદી ભારતની ખાનગી મિલકત નથી. તેમણે કહ્યું કે ભારત પોતાને વિશ્વગુરુ તરીકે રજૂ કરવા માંગે છે, પરંતુ વાસ્તવમાં એવું નથી.પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ મુનીરે ધમકી આપતા ખચકાયા નહીં કે જા ભવિષ્યમાં ભારત સાથેના યુદ્ધમાં તેમના દેશના અસ્થિત્વ પર ખતરો ઉભો થશે, તો તેઓ આ આખા ક્ષેત્રને પરમાણુ યુદ્ધમાં ધકેલી દેશે. મુનીરે કહ્યું કે આપણે પરમાણુ સમૃદ્ધ રાષ્ટ્ર છીએ અને જા આપણને લાગે કે આપણે ડૂબી રહ્યા છીએ, તો આપણે અડધી દુનિયાને પોતાની સાથે લઈ જઈશું. મુનીરનું નિવેદન એ અર્થમાં સનસનાટીભર્યું છે કે પહેલીવાર અમેરિકન ધરતીથી ત્રીજા દેશને પરમાણુ યુદ્ધની ધમકી આપવામાં આવી છે.