બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ પહેલા,જદયુના એક સાંસદે વિસ્ફોટક નિવેદન આપીને વાતાવરણ ગરમ કરી દીધું છે. તેમણે સંકેત આપ્યો છે કે જો ભાજપ ચૂંટણી પછી નીતિશ કુમારની મુખ્યમંત્રી તરીકે નિમણૂકમાં અવરોધ ઊભો કરશે, તો જદયુ એનડીએ  છોડી દેશે. આ દરમિયાન, તેમણે કેટલીક એવી વાતો પણ કહી જે ભાજપ માટે ચેતવણીની ઘંટડી સમાન છે.

એક ખાનગી ટીવી ચેનલ સાથે વાત કરતા જદયુ સાંસદે કહ્યું, ‘શું આ મોટી વાત છે ? શું આપણે ગયા નથી? અમે એનડીએમાંથી મહાગઠબંધનમાં ગયા, મહાગઠબંધનથી ફરી એનડીએમાં આવ્યા, પછી મહાગઠબંધનમાં ગયા, પછી ફરી એનડીએમાં આવ્યા. આપણે આ કરતા રહીએ છીએ.’

જદયુ સાંસદ અહીં અટક્યા નહીં. આ પછી, તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ‘જો ભાજપ અમારા નીતિશ કુમારને મુખ્યમંત્રી તરીકે સ્વીકારશે નહીં, તો અમે સીધા (મહાગઠબંધન) જઈશું. આમાં શું સમસ્યા છે? તે મુખ્યમંત્રીનો મુદ્દો છે. તેઓ ક્યારેય નહીં કહે કે તેઓ એકનાથ શિંદેની જેમ કરશે, અમે, બિહારના લોકો, તે સ્વીકારવાના નથી. અમે કહ્યું છે, અમે ખોટા નથી. ધારો કે, કાલે તેઓ કહેશે કે અમે નીતિશ કુમારને મુખ્યમંત્રી નહીં બનાવીએ, તેમને જવા દો. આમાં શું સમસ્યા છે, અમે આવ્યા અને ગયા. આમાં કંઈ નથી, અમે કંઈ કહી રહ્યા નથી.’

જદયુ સાંસદ ગિરધારી યાદવે એક ખાનગી ટીવી ચેનલને આ નિવેદન આપ્યું છે. ગિરધારી યાદવ એ જ સાંસદ છે જેમણે બિહારમાં મતદાર યાદી જીંઇ પર પાર્ટી લાઇનથી અલગ નિવેદન આપીને નીતિશની મુશ્કેલીઓ વધારી છે. જદયુએ આ નિવેદન અંગે તેમને પહેલાથી જ નોટિસ ફટકારી છે. હવે તેમનું નવું નિવેદન કોંગ્રેસ માટે તૈયાર હથિયાર બની ગયું છે. કોંગ્રેસના સત્તાવાર એકસ હેન્ડલ પરથી તેને યોગ્ય રીતે ટીવટ કરવામાં આવ્યું છે.