સુરતના લસકાણા વિસ્તારમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનના વળતર અંગે વહીવટી તંત્રને કડક સંદેશ આપ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર ખેડૂતોને ઝડપથી સહાય પહોંચાડવા પ્રતિબદ્ધ છે અને જા કોઈ ખેડૂત તરફથી વળતર વિલંબિત મળ્યું હોવાની અથવા યોગ્ય રીતે ન મળ્યાની ફરિયાદ મળશે, તો સંબંધિત અધિકારી સામે કોઈ ચર્ચા વિના તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ પાક નુકસાન સહાય પેકેજની અમલવારી અંગે અધિકારીઓને તીખી ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ખેડૂતોને સહાય “સમયસર અને પૂર્ણરૂપે” મળી જવી જાઈએ. હર્ષ સંઘવીએ કહ્યું કે સરકાર પોતાના સ્તરે તાત્કાલિક પગલાં લઈ રહી છે, અને હવે વહીવટીતંત્રની જવાબદારી છે કે એકપણ ખેડૂતને સહાય માટે ભટકવું ન પડે.જા કે આ બધા વચ્ચે વળતર મેળવવા હકદાર ખેડૂતો નવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મેંદરડા તાલુકાના ખડપીપળી ગામમાં છેલ્લા બે દિવસથી ખેડૂતો ગ્રામપંચાયત કચેરી બહાર લાંબી લાઈનોમાં ઉભા છે, પરંતુ સરકારની ઓનલાઈન સિસ્ટમ વારંવાર ડાઉન થઈ જતાં તેઓ પોતાનું ફોર્મ ભરી શકતા નથી.ભલે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેડૂતોને વળતર આપવા પેકેજ જાહેર કર્યું છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે સહાય મેળવવાની પ્રક્રિયા જ નવા તકલીફો લઈ આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સહાય મેળવવાનું કામ “મદદ કરતાં વધારે તકલીફદાયક” બની ગયું છે.








































