૧૪ તારીખે મકરસક્રાંતિ છે. ગગનમાં કનકવો ચોફેર ઉડતો જોવા મળે છે. ગુજરાતીઓ ઉત્સવપ્રિય પ્રજા છે. તહેવારની સાથે વિજ્ઞાન જોડાયેલું છે. વિદેશનું આંધળું અનુકરણ કરીને આપણે તહેવારને તકલીફ તરફ લઈ જઈએ છીએ. ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણમાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જી છે. ૧૪ મી તારીખથી દિવસ લાંબો થાય છે તેનું ખગોળશાસ્ત્રમાં અદ્ભુત સાયન્ટિફિક વર્ણન છે.
ઉત્તરાયણ એ અવકાશમાં સૂર્યની એક સ્થિતિ છે. ઉત્તરાયણના દિવસે સૂરજ માથાની સીધી દિશાથી એકદમ દક્ષિણ દિશા તરફ હોય છે. ઉત્તરાયણ (ઉત્તર+અયન) નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. દિવસમાંં સૂર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સૂર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે. ઉત્તરાયણના સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી થોડો-થોડો ઉત્તર દિશા તરફ ખસતો જાય છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસવાનું ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણનો પ્રારંભ ૨૧ થી ૨૨ ડિસેમ્બરથી થાય છે. સૂર્યની ઉત્તર દિશામાં ખસવાની ઘટના અને તેની અસરો જાઈએ તો ઉત્તરાયણના દિવસે વર્ષની સૌથી લાંબી રાત ભારતમાં ૧૩ઃ૧૨ કલાકની અને દિવસ ૧૦ઃ૪૮ કલાકનો હોય છે. જ્યારે ૨૧ જૂને દક્ષિણાયનના દિવસે આનાથી વિપરીત હોય છે. વર્ષમાં બે દિવસ એટલે કે ૨૧ ડિસેમ્બરે સૌથી લાંબી રાત અને ૨૧ જૂને સૌથી લાંબો દિવસ હોય છે. સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધ પર સીધા પડતાં હોવાથી ઉત્તર ગોળાર્ધમાં લાંબી રાત્રિઓનો સમય હોય છે. આ સમયને ઉત્તરાયણ પણ એટલે જ કહે છે. ૨૨ ડિસેમ્બરથી ૨૧ જૂન સુધી દિવસ મોટો થતો જશે. જે ૨૧ જૂને દિવસ સૌથી મોટો હશે અને રાત સૌથી નાની. આ દિવસને દક્ષિણાયન કહે છે.
મકરસંક્રાંતિ ઉત્તરાયણથી અલગ હોય છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે. આ બધી બાબતો આપણા ખગોળશાસ્ત્રીઓએ ખૂબ સારી રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવી છે.
ઉત્તરાયણના દિવસે કનકવો એટલે પતંગ આકાશમાં ચગાવવા માટે આપણે બધા ધાબા ઉપર અથવા તો અન્ય જગ્યાનો સહારો લેતા હોઈએ છીએ. એવા સમયે ડી.જે.નો ભયંકર અવાજ અને સંગીતના સુરે કોલાહલ ઉત્પન્ન કરતા હોઈએ છીએ. ઉત્તરાયણના પર્વે એટલા બધા ઉત્સાહમાં આવી જઈએ છીએ કે ધાબા ઉપર પતંગ ચગાવવાની લાયમાં ખસી જવું, પડી જવું અને પછી મરી જવું આ બાબતનો અત્યંત ખ્યાલ રાખવો.કાલિદાસે કહ્યું છે કે મનુષ્ય ઉત્સવપ્રિય છે. ઉત્તરાયણના પર્વે કોરોનાના જન્મદાતા ચાઇનાની દોરી અથવા પતંગ વાપરવા જોઈએ નહીં. પક્ષીઓ ઘાયલ ન થાય તેની તકેદારી રાખવી, ઈલેક્ટ્રીક વાયર સાથે દોરી ન ભરાય તેની તકેદારી રાખીએ. પતંગ લૂંટવામાં ક્યારે શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે. તે સમયે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીએ. સોસાયટીઓમાં બિનજરૂરી બૂમો અને રાડો પાડીને પોલીસ ફરિયાદ સુધી અને મારામારી સુધી ઉત્સવ રૂપાંતર થાય છે તેવી સ્થિતિ નિર્માણ ન થાય તેની કાળજી રાખીએ. તુક્કલ કે અન્ય સળગતી પતંગ ઘણી વખતે અગ્નિ થકી ખેતરમાં અથવા તો અન્ય જગ્યાએ ભયંકર નુકસાન નિર્માણ કરતી હોય છે તેની કાળજી રાખીએ. કોઈકનો પતંગ કાપતા આપણો કપાઈ ના જાય તેની કાળજી રાખીએ. આજે એટલો બધો દ્વેષ, કપટ, ઝેર અને અભિમાન વ્યાપી ગયું છે કે વાત જ પૂછો નહીં. માનવ જીવન આનંદ, ઉત્સવ અને સંપથી રહેવા માટે છે. કેટલો કાગળ અને દોરી ઉત્સવ પાછળ વપરાય છે. પર્યાવરણના સંરક્ષણ અને જતન માટે પણ જનજાગૃતિ ઊભી કરવી પડશે. ભારતીય હોવાનું ગૌરવ અને અભિમાન હોવું જોઈએ પરંતુ આ સમયે પરિવારના બધા લોકોએ સાથે જમી પારિવારિક એકતા નિર્માણ કરવી જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તાપમાન રહેવાથી શરીરમાં રહેલો કફ ગરમીના કારણે ઓગળીને બહાર આવે છે. શેરડીનો રસ અને કલમી બોર ખાવાથી પ્રાકૃતિક શક્તિ પ્રાપ્ત થાય છે. તલની ચીકી અને સિંગની સુખડી આ બધા શરીર માટેના પોષક તત્વો છે. ઉત્તરાયણના પાવન પર્વે પક્ષીઓ ઘાયલ ના થાય તેની તકેદારી રાખીએ. કિન્ના બાંધવાની કલા અને પતંગ બનાવવાની આવડત એ ભારતની ૬૪ કલાનો અદ્ભુત નમૂનો છે. સૌ ભારતીય અને ગુજરાતીઓ ઉત્સાહપૂર્વક પોતાનો પતંગ ચગાવે પરંતુ અંતરની અંદર રહેલા કાવાદાવા, વેરઝેરને ઢીલ આપીને છોડી દે. માનવતાની દોરી છોડી સંબંધોનો સ્નેહ આકાશમાં અને પરિવારમાં વ્યાપક બનાવીએ તો જ તમારો જીવનરૂપી પતંગ ઊંચાઈ પ્રાપ્ત કરશે. ઉત્સાહની સાથે સાથે કાળજી પણ રાખવી જરૂરી છે. મકરસંક્રાંતિના પવિત્ર પર્વે સૌ શાંતિ અને સલામતીના ધોરણો સ્થાપિત કરી ઇલેક્ટ્રીક અને ધાબાની બોર્ડરને ધ્યાનમાં રાખી પતંગ ચગાવે તો અકસ્માત થવાની સંભાવના ઓછી રહે. એવી દોરીનો ઉપયોગ ના કરે કે જેથી
કોઈનું ગળું કપાઈ જાય. શાંતિથી માનવી જીવી શકે તે જ સૌથી મોટી ઉત્તરાયણ છે. પક્ષીઓની અને માનવોની રક્ષા કરવી આપણી ફરજ છે. ઉત્તરાયણ પછી તરત જ પરીક્ષા શરૂ થાય છે તે સમયે પરીક્ષાનો પતંગ કપાઈ ના જાય તેની તકેદારી રાખી અને વાંચન લેખનની તૈયારી સતત રાખીએ. ઉત્તરાયણ તો દર વર્ષે આવવાની છે પરંતુ પરીક્ષા દર વર્ષે નવા વર્ગમાં જવા માટે છે તેનો ખ્યાલ રાખીએ. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨








































