આ વાક્ય પોતે જ એક ઊંડો, તત્વચિંતનથી ભરેલો જીવનસંદેશ આપે છે. માનવ ઇતિહાસમાં મહાભારત માત્ર એક યુદ્ધ નહીં, પણ સંબંધો અને સંઘર્ષોનું અનંતકાલીન પ્રતિક છે. આ મહાકાવ્યમાં ઊંડા એવા જીવનપાઠો છુપાયેલા છે જે આજે પણ એટલાં જ જરૂરી છે. તેમાંનું એક સૌથી વધારે હૃદયને જગાડનાર વાક્ય એટલે “જે જમીન માટે મહાભારત થયું હતું, તે જમીન આજે પણ ત્યાં જ છે.” આ એક જ વાક્ય આપણને પૂછે છે કે શેના માટેના ઝઘડા કરીએ છીએ? શેના માટે પૂર્વજોએ લોહી વહાવ્યું? અને શું આપણું મન આજે પણ એ જ ભૂલોના ચક્રમાં ફસાયેલું છે?
જમીન કાયમના માટે સદીઓથી સ્થિર છે પણ એના માટે લડનાર મનુષ્ય અસ્થિર છે. કેટલીય પેઢીઓ સુધી જેના હક્ક માટે લડ્‌યા તે પેઢીઓ લડી લડીને જતી રહી પણ એ જમીન ત્યાંની ત્યાં જ સ્થિર છે. શાંતિથી સમજવા જેવી આ વાત છે. જરા વિચારો તો ખ્યાલ આવશે કે કુરુક્ષેત્રનું મેદાન આજે પણ એ જ સ્થાને છે. પણ પાંડવો ક્યાં? કૌરવો ક્યાં? ધૃતરાષ્ટ્રની અંધ મહ¥વાકાંક્ષા ક્યાં? દુર્યોધનની ઈર્ષ્યા ક્યાં? અર્જુનનું ગૂંચવણયુક્ત મન ક્યાં? સમયે બધું ફેરવી નાંખ્યું, પણ જમીન—તે તો શાંતિથી ઉભી રહી. આ યુદ્ધનો ઇતિહાસ આપણને એ બોધ આપે છે કે માણસ જીવનભર જેના માટે લડે છે, તે વસ્તુઓ તો શાંત હોય છે, પરંતુ ઝઘડાઓના ઘા, અહંકારના નિર્ણયો અને તૂટેલા સંબંધોની તિરાડો કાયમ મનને અશાંત કરે છે. જીતનારને શું મળ્યું? હારનારે શું ગુમાવ્યું? મહાભારતનું યુદ્ધ પાંડવોએ જીત્યું, પરંતુ તે જીત પછી પણ એમને ખુશી નહોતી મળી કારણ કે યુધ્ધ બાદ બધી જમીન મળી પણ અનેક સ્વજનો અને કરોડો સૈનિકોના જાનની ખુવારીના ભોગે જીત કડવી લાગતી હતી. કુળના નાશનો ખાલીપો સતાવતો હતો. અભિમન્યુ જેવા યોદ્ધાને ગુમાવ્યો હતો અને એના બદલામાં એક ખંડેર સમું રાજ્ય પ્રાપ્ત થયું હતું. વિજય મળ્યો પરંતુ શાંતિ ના મળી.
આજના સમયમાં પણ આપણે અનેક જીત મેળવીએ છીએ. કોર્ટ કેસની જીત, સંબંધોમાંના ઝઘડાની જીત, ધંધામાં પ્રભુત્વની જીત, સત્તા મેળવવા કરેલ કાવાદાવા પછીની જીત હોય, વર્ચસ્વની લડાઈ હોય કે હકુમતની લડાઈ હોય જેમાં દેશની સરહદો સર કરવાની ખોટી મહત્વકાંક્ષાઓ, કુટુંબમાં મિલકતની વહેંચણી માટેની લડાઇ હોય, નાત-જાત કે ધર્મ વચ્ચેના ભેદભાવ હોય, આ દરેક ક્ષેત્રના લડાઈ ઝઘડામાં સમાધાનના માધ્યમથી શાંતિના દ્વાર ખુલ્લા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક વ્યક્તિનો વટ, અહમ કે ઈર્ષા, વેરભાવના કારણ બનતા હોય છે અને પરિણામે સમાધાન થવાને બદલે સંગ્રામ મંડાતા હોય છે. પછી પાછું વળવું કે નમવું કોઈને પોસાતું નથી.પરિણામ બહુ ચોંકાવનાર, ભયાનક અને દુઃખદ આવતા હોય છે. યુધ્ધમાં હંમેશા એકની જીત અને સામે બીજાની હાર થતી હોય છે પણ આ જીતમાં ખોવાઈ જતા સંબંધો અને લાગણીઓનું મૂલ્ય આપણે ક્યારેય નથી માપતા. આમ, અહંકાર પ્રત્યેક યુદ્ધની મૂળ જડ છે. આમ જોઈએ તો મહાભારતના યુધ્ધમાં જમીનનો વિવાદ મૂળમાં હતો પણ પછી અહંકાર અને અપમાને એની આગેવાની લઈ લીધી હતી એટલે સમધાન શક્ય બન્યું નહિ. આજના માનવજીવનમાં પણ સંઘર્ષના મૂળ કારણો એ જ છેઃ “મારે સાચું સાબિત કરવું છે” “મારી વાત જ ચાલવી જોઈએ” “મારી પ્રતિષ્ઠાને કોઈ પડકારી શકે નહિ” આવો અહંકાર સંબંધોને વિખેરી નાખે છે, પરિવારોને તોડી નાખે છે અને મનને યુદ્ધભૂમિ બનાવી દે છે.
મહાભારત આપણને શીખવે છે કે જ્યાં અહંકાર રહે છે, ત્યાં શાંતિ રહેતી નથી. યુધ્ધ સમાપ્ત થઈ ગયા પછી ધૂળની ડમરીઓ શમી જાય છે, લોહી સુકાઈ સુકાય જાય છે, શબો હટાવવામાં આવે છે પણ જેના માટે યુધ્ધ થાય છે એ જમીન ક્યાં જાય છે? તે તો ત્યાં જ રહે છે. માત્ર ભ્રમ બદલાય છે. કોઈ જીતીને પણ દુઃખી થાય છે તો કોઈ હારીને શાંત થઈ જાય છે. ક્યારેક બન્નેમાંથી કોઈ પરિણામને માણવા હૈયાત રહેતા નથી. આકાશમાં તો ફરી શાંતિથી સૂર્યોદય થાય છે પણ અનેક ઘરમાં કે નગરમાં અંધારપટ છવાઇ જાય છે. આ દૃશ્ય એ બતાવે છે કે સંઘર્ષે દુનિયાને નહીં, માણસોને જ બદલી નાખ્યા. આજે આપણે જે ઝઘડો કરીએ છીએ, ઇતિહાસ તેનો સાક્ષી બને છે કે આપણા પરિવાર અને સંબંધો તેની કિંમત ચૂકવે છે અને પછી શાંતિનું મૂલ્ય યુદ્ધના ખંડેરોમાં સમજાય છે. નિષ્કર્ષઃ આ જમીન કાયમ કોઈની થઈ નથી અને થશે પણ નહિ. કેમકે ક્યારેક પેઢીઓ બદલાય છે, માણસો બદલાય જાય છે, જમીન નહીં. આમ, આ વાક્ય માત્ર ઇતિહાસની યાદ નથી પણ તે આપણા આજના જીવનનું માર્ગદર્શન છે.

વિચારસભર પંક્તિઓ
જે જમીન માટે મહાભારત થયુ હતુ, તે જમીન તો આજે પણ ત્યાં જ છે…
પરિવર્તન તો માણસના મનમાં આવ્યા,
અહંકાર વધ્યો, સંબંધો ઘટયા, પણ પાઠ-અજાણ્યા જ રહી ગયા.
કૌરવો-પાંડવો તો ઘણા હતા,
આજે પણ દરેક ઘરમાં મળે છે…
વિવાદો એ જ, બાબતો એ જ, ફકત યુધ્ધના શસ્ત્ર બદલાય છે,
સમય સાક્ષી છે-
જંગ જીતનારને પણ શાંતિ ન મળી,
અને હારનારને પણ ઈતિહાસે સ્થાન આપ્યું.
પણ સાચું કહીએ તો…
જંગથી સમજથી બધુ મળી શકે છે.
મહાભારતે ઘણુ શીખવ્યું,
પણ માણસ થોડું જ સમજયો….
જે ભૂમિ માટે યુધ્ધ થયું,
તે તો કાલ પણ હતી, આજે પણ છે,
પણ મનને જેમ
મૈત્રીથી ફૂલાવી શકાય,
અહંકારથી બરબાદ પણ કરી શકાય.

મહાભારત આપણને કહે છે કે “વસ્તુઓ માટે નહીં, મૂલ્યો માટે જીવવું.” જે માટે યુદ્ધ કરીએ છીએ, તે વસ્તુ તો રહેવાની જ છે પણ જેની સાથે જીવવાનું હતું, તે લોકો પાછા નહીં મળે. વાત એટલી જ કે આપણા નિર્ણયોથી કોઈ નવું ‘મહાભારત’ ન સર્જાય.