અમરેલી શહેરના જેસીંગપરા વિસ્તારમાં વડી-ઠેબી નદી પર આવેલો અને ‘જેસીંગપરા બેઠા પુલ’ તરીકે ઓળખાતો પુલ તંત્ર દ્વારા જર્જરિત જાહેર કરાયા બાદ લોકો અને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
આ પુલ બંધ થવાથી સ્થાનિક લોકોને, ખાસ કરીને આજુબાજુના ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને શ્રી કામનાથ મહાદેવ મંદિરે આવતા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરેલી નગરપાલિકાના બાંધકામ ચેરમેન સંદિપ માંગરોળીયા સહિત આગેવાનોએ આ મામલે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાને લેખિત રજૂઆત કરી છે. તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, આ પુલ બંધ થવાથી સિનિયર સિટીઝન્સ, નાના વેપારીઓ અને રત્ન કલાકારોને પણ અવરજવર માટે ખૂબ હાલાકી ભોગવવી પડે છે. માંગરોળીયાએ નાયબ મુખ્ય દંડકને વિનંતી કરી છે કે તેઓ સરકાર કક્ષાએ આ પુલનો તાત્કાલિક સર્વે કરાવીને નવા પુલ માટે મંજૂરી અપાવે.