ગુજરાતના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા થપ્પડ મારવાના કેસમાં જેલમાં છે. આપના ધારાસભ્ય પર દેડિયાપાડા તાલુકાં પંચાયત પ્રમુખ સંજય વસાવાને થપ્પડ મારવાનો આરોપસર જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ત્યારે હવે આ મુદ્દે અરવિંદ કેજરીવાલે દેડિયાપાડામાં એક જનસભાને સંબોધન કર્યું હતું. કેજરીવાલ ઉપરાંત આપના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ વિસાવદર વિધાનસભાની બેઠક પર વિજય મેળવ્યો હતો. આ વિજય બાદ પાર્ટીમાં જબરદસ્ત ઉત્સાહ જાવા મળી રહ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખે તેવી શક્યતા છે. જા કે આપના નર્મદા જિલ્લાના દેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવા થપ્પડ કાંડમાં ૧૯ દિવસથી જેલમાં બંધ છે. જેને લઈને આપ પાર્ટીમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે.
આપના ધારાસભ્યને સરકાર જાણી જાઈને પરેશાન કરી રહી છે તેવો આપ નેતાઓએ આરોપ લગાવ્યો છે. જા કે હવે આપના ધારાસભ્ય મામલે દેડિયાપાડામાં શકિત પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી સહિતના આપના નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે જનસભાને સંબોધન પણ કરીને હુંકાર કર્યો છે.
દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે એક જનસભાને સંબોધન કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે, કારણ કે તેઓ આદિવાસીઓના હક માટે લડી રહ્યા હતા. ચૈતર વસાવા જમીન, જંગલ, અધિકારો માટે લડી રહ્યા હતા.’ પોતાના સંબોધન દરમિયાન કેજરીવાલે પ્રચંડ અવાજે કહ્યું કે, ‘જેલ કે તાલે તૂટેંગે, ચૈતર વસાવા છૂટેંગે.’
એક તરફ સભા સ્થળે વરસાદ વરસી રહ્યો હતો તેમ છતાં જનમેદની જાવા મળી હતી. જેને લઈને અરવિંદ કેજરીવાલે આદિવાસી સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાજપ પર આકરા પ્રહારો કરતા કેજરીવાલે કહ્યું હતું કે, ‘ભાજપના નેતાઓ સત્તામાં આવીને ભ્રષ્ટાચાર કરીને તેમજ આદિવાસીઓના હક છીનવીને સંપત્તિ બનાવે છે. તેઓ અમારા ધારાસભ્યને બિવડાવે છે. પરંતુ, એમને ખબર નથી કે ચૈતર વસાવા બબ્બર શેર છે.’
નોંધનીય છે કે, ગઈકાલે (૨૩ જુલાઈ) મોડાસામાં આપની કિસાન-પશુપાલક મહાપંચાયત યોજાઈ હતી. આ પહેલા આપ દ્વારા બુધવારે મોડાસા શહેરમાં કિસાન-પશુપાલક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પણ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ હાજર રહ્યા હતા અને જાહેર સભાને સંબોધિત કરી હતી. એક મહિનામાં કેજરીવાલની બીજી ગુજરાત મુલાકાતે આવ્યા હતા. અગાઉ, અરવિંદ કેજરીવાલ આ મહિને ૨ અને ૩ જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. હવે તેઓ ગુજરાતમાં ખેડૂતો અને પશુપાલકોના દૂધના વાજબી ભાવની માંગણીના વિરોધને સમર્થન આપવા માટે ગુજરાત પહોંચ્યા છે.