કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે વિપક્ષી ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી પર નક્સલવાદને ‘સમર્થન’ આપવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે જો તેમણે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ રહીને સલવા જુડુમ પર ચુકાદો ન આપ્યો હોત, તો દેશમાં માઓવાદ ૨૦૨૦ પહેલા ખતમ થઈ ગયો હોત.

કેરળના કોચીમાં મલયાલા મનોરમા કાર્યક્રમમાં અમિત શાહે સલવા જુડુમ પર ૨૦૧૧ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું, “સુદર્શન રેડ્ડી એ જ વ્યક્તિ છે જેમણે નક્સલવાદને મદદ કરી હતી. તેમણે સલવા જુડુમ પર ચુકાદો આપ્યો હતો. જો સલવા જુડુમ પર ચુકાદો ન આવ્યો હોત, તો ૨૦૨૦ સુધીમાં નક્સલવાદી આતંકવાદનો અંત આવી ગયો હોત. તેઓ એ જ વ્યક્તિ છે જે સલવા જુડુમ પર ચુકાદો આપનાર વિચારધારાથી પ્રેરિત હતા.”

ડિસેમ્બર ૨૦૧૧ માં, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રેડ્ડીએ ચુકાદો આપ્યો હતો કે માઓવાદી બળવાખોરો – પછી ભલે તે ‘કોયા કમાન્ડો’, સલવા જુડુમ અથવા અન્ય કોઈ પણ નામે ઓળખાતા હોય – સામેની લડાઈમાં આદિવાસી યુવાનોનો ખાસ પોલીસ અધિકારીઓ તરીકે ઉપયોગ ગેરકાયદેસર અને ગેરબંધારણીય હતો. તેમણે એવો પણ આદેશ આપ્યો હતો કે તેમની પાસેથી તાત્કાલિક શસ્ત્રો છીનવી લેવામાં આવે.

કોન્ક્‌લેવ દરમિયાન પ્રશ્ન-જવાબ સત્રમાં, ગૃહમંત્રી શાહે કહ્યું કે કેરળ પણ નક્સલવાદ અને ઉગ્રવાદથી પીડાય છે. કેરળના લોકો જોઈ શકે છે કે ડાબેરીઓના દબાણ હેઠળ, કોંગ્રેસે એક વ્યક્તિને ઉપ-રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે જેણે ડાબેરી ઉગ્રવાદ અને નક્સલવાદને ટેકો આપવા માટે સુપ્રીમ કોર્ટના પવિત્ર મંચનો ઉપયોગ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસ દ્વારા આવા ઉમેદવારની પસંદગી કરવાથી કેરળમાં પાર્ટીની જીતની શક્યતા વધુ ઘટી ગઈ છે.

શાસક એનડીએએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉપ-રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા તમિલનાડુના વરિષ્ઠ ભાજપ નેતા છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષી ગઠબંધને ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે.

‘મત ચોરી’ના આરોપ પર ગૃહમંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસ નેતૃત્વમાં જોડાયા પછી, તેઓ બંધારણીય બાબતોને શંકાની નજરે જુએ છે. બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝનનો ઉલ્લેખ કરતા શાહે કોંગ્રેસ પર તેના પર બિનજરૂરી વિવાદ ઉભો કરવાનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ પાસે મતવિસ્તાર, જિલ્લા અને રાજ્ય સ્તરે વાંધો ઉઠાવવાની તક હતી, પરંતુ તેણે અત્યાર સુધી જીંઇ પર કોઈ ફરિયાદ નોંધાવી નથી.

અન્ય રાજ્યોમાં એસઆઇઆર કરવાના પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે તે નિર્ણય લેવાનું ચૂંટણી પંચનું છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે દેશભરમાં એસઆઇઆર કરવાનો નિર્ણય લીધો છે. બિહારની મતદાર યાદીમાં ૨૨ લાખ લોકોના નામ હતા જે મૃત્યુ પામ્યા છે. નકલી મત પડવાની શક્યતા છે, તો શું તેમના નામ દૂર કરવા જોઈએ કે નહીં? આ સામાન્ય સમજની વાત છે.