ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં નાટક અને મુકાબલાનું વાતાવરણ ત્રીજા દિવસે ચરમસીમાએ પહોંચી ગયું. દિવસની રમતની છેલ્લી ક્ષણોમાં, ઇંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલીએ સમય બગાડવાની રણનીતિ અપનાવી, જેના કારણે ભારતીય છાવણીમાં નારાજગી ફેલાઈ ગઈ. આ અંગે, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને તેને અત્યાર સુધીની શ્રેષ્ઠ સમય બગાડવાની રણનીતિ ગણાવી. આ સાથે, તેમણે ટીમ ઇન્ડિયાની પ્રતિક્રિયા પર પણ મોટું નિવેદન આપ્યું.
ત્રીજા દિવસે, ભારતે પોતાની પહેલી ઇનિંગમાં ૩૮૭ રન બનાવ્યા. આ પછી, ઇંગ્લેન્ડને છેલ્લા સત્રમાં બેટિંગ કરવી પડી. નિયમો અનુસાર, ભારત પાસે બે ઓવર નાખવા માટે સમય બાકી હતો. પરંતુ જેક ક્રાઉલીએ ઈજાનું બહાનું બનાવીને રમતની ગતિ ધીમી કરી, વારંવાર ક્રીઝ છોડી દીધી અને બોલિંગ કરવા માટે તૈયાર રહેલા જસપ્રીત બુમરાહને ત્રણ વાર રાહ જાવી પડી. આ કારણે, ભારત ફક્ત એક ઓવર ફેંકી શક્યું અને ઇંગ્લેન્ડે વિકેટ ગુમાવ્યા વિના બે રન બનાવ્યા.
ભારતીય કેપ્ટન શુભમન ગિલ સહિત આખી ટીમ આ રણનીતિથી ખૂબ ગુસ્સે દેખાઈ રહી હતી અને મેદાન પર તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. ભૂતપૂર્વ ઇંગલીશ કેપ્ટન માઇકલ વોને ‘બીબીસી ટેસ્ટ મેચ સ્પેશિયલ પોડકાસ્ટ’માં આ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ સમય બગાડવાનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું. તે આ જોઈને હસતા હતા. હા, ભારતે આ અંગે ફરિયાદ ન કરવી જોઈએ કારણ કે તેઓએ બીજા દિવસે પણ કંઈક આવું જ કર્યું હતું. શુભમન ગિલના સ્નાયુઓમાં ખેંચાણ હોય કે કેએલ રાહુલની મેદાનમાં ગેરહાજરી, બંને ટીમોએ પોતાની ચાલ બનાવી છે.
માઇકલ વોને કહ્યું કે આવી બાબતો ટેસ્ટ ક્રિકેટનો ભાગ છે અને આ જ વાત ટેસ્ટ મેચને રસપ્રદ બનાવે છે. તેમણે કહ્યું કે આ મેચ હવે રસપ્રદ વળાંક પર છે. ચોથા અને પાંચમા દિવસની રમત રોમાંચક બનવાની છે. ચોથા દિવસે, ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં સાવધાનીપૂર્વક રમવાનો પ્રયાસ કરશે અને ટીમ ઇન્ડીયાને મોટો લક્ષ્ય આપશે જેથી તેઓ ૫ મેચની શ્રેણીમાં લીડ મેળવી શકે. હાલમાં બંને ટીમો ૧-૧ થી બરાબર છે.