જૂનાગઢની સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ ભાજપના જ આગેવાન જવાહર ચાવડા પર આડકતરા પ્રહાર કર્યા છે. તેમણે દૂધ ઉત્પાદન સંઘની સામાન્ય સભામાં જવાહર ચાવડા પર આ પ્રકારના પ્રહાર કર્યા હતા.દિનેશ ખટારિયાના જવાહર ચાવડા પરના પ્રહારોએ રાજકીય ગરમી આણી છે. તેમણે તાજેતરમાં જૂનાગઢની સાવજ ડેરીના દૂધમાં કેમિકલ ભેળવવામાં આવતું હોવાનો આક્ષેપ કરનાર અને તેના અંગે સલાહ આપનારા બંનેની આકરી ઝાટકણી કાઢી હતી.
દિનેશ ખટારિયાએ દૂધ ઉત્પાદક સંઘની સામાન્ય સભામાં જણાવ્યું હતું કે આ પ્રકારના લોકો અન્ય લોકોને ગેરમાર્ગે દોરે છે. ચાવડા પર પ્રહાર કરવાની સાથે તેમણે તેના પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે પહેલાં તે પોતાનું સ્થિર વલણ બતાવે પછી બીજાની વાત કરે.
તેમણે જણાવ્યું હતું કે જવાહર ચાવડા ક્યારેક કોંગ્રેસના વખાણ કરે છે, ક્યારેક ભાજપના વખાણ કરે છે, ક્યારેક સાવરણાના એટલે કે આપના વખાણ કરે છે અને આટલું ઓછું પડતું હોય તો હજી ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ પાર્ટી પણ છે અને તેમા જવાની પણ છૂટ છે. તેમણે જણાવ્યું હતું કે કામ કરતાં હોય તેના પર આક્ષેપ કરવાં સહેલા છે, પરંતુ કામ કરવું અઘરું છે.
તેમણે જણાવ્યું હતું કે આ લોકો નવો સમાજ બનાવવાની વાત કરે છે અને આ લોકો કયો નવો સમાજ બનાવવા છે. તેમની પોતાની નીતિઓ અને નિયમોના ઠેકાણા નથી. ખાલી આક્ષેપો કરવાથી ન ચાલે, પ્રજાનો અવાજ બનવું પડે. તેથી કશું પણ બોલતા પહેલાં તેમણે વિચાર કરવો જાઈએ.