જૂનાગઢ શહેરમાં સરકારી જમીન પર થતા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. શહેરના પ્રખ્યાત સરદાર બાગ વિસ્તારમાં વર્ષોથી જામી પડેલા ગેરકાયદેસર દબાણો પર આજે વહેલી સવારથી જ વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને વહીવટી તંત્રના સંયુક્ત ઓપરેશન દ્વારા અંદાજે ૧.૨૭ કરોડની બજાર કિંમત ધરાવતી જમીનને ખુલ્લી કરાવવામાં આવી હોવાનું કહ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢના સરદાર બાગ વિસ્તારમાં આવેલી સરકારી કિંમતી જમીન પર છેલ્લા ઘણા સમયથી ૧૬ જેટલા દબાણકારોએ કાચા-પાકા મકાનો બનાવીને ગેરકાયદેસર કબજા જમાવ્યો હતો. આ અંગે તંત્રને જાણ થતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા છ માસ અગાઉ જ તમામ ૧૬ આસામીઓને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસમાં સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાની રીતે જ આ દબાણો દૂર કરી લે, પરંતુ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ દબાણો યથાવત રહેતા આજે કડક કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો.આજ રોજ વહેલી સવારથી જ સરદાર બાગ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં જૂનાગઢ મનપાના અધિકારીઓ પીજીવીસીએલની ટીમ અને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે.તંત્રના જણાવ્યા અનુસાર આ ડિમોલિશન ડ્રાઈવ અંતર્ગત કુલ ૬૩૦ ચોરસ મીટર જગ્યા પરથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ જમીનની વર્તમાન બજાર કિંમત અંદાજે ૧ કરોડ ૨૭ લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. આ કામગીરીને પગલે અન્ય દબાણકારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.










































