ભવનાથ મહાદેવ મંદિરના મહંત પદને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. ભવનાથ મંદિર હસ્તક આવેલા તમામ સ્થાનો માટે તંત્ર દ્વારા વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ગિરનાર સાધુ મંડળ દ્વારા આ નિર્ણયને આવકાર્યો છે.

ગરવા ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરના મહંત પદને લઈને છેલ્લા ઘણા સમયથી વાદ વિવાદો ચાલી રહ્યા હતા. આજ રોજ ૩૧ જુલાઈના રોજ હાલના મહંત હરિગીરી મહારાજની મહંતપદની સમય મર્યાદા પૂર્ણ થઈ છે ત્યારે વધુ કોઈ વિવાદો ન સર્જાય જેને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા ભવનાથ મહાદેવ મંદિરમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે.

ભવનાથ મહાદેવ મંદિરના વહીવટદાર તરીકે જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિયુક્તિ કરાઈ છે. ભવનાથ મંદિરનો વહીવટ સારી રીતે ચાલે અને મંદિરમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય અને નવા સંસાધનો વસાવી શકાય તે માટે તમામ પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવશે. તેમજ ભારતીય પરંપરા અને હિંદુ સંસ્કૃતિ મુજબ આ મંદિરની તમામ પૂજા અર્ચના અને નીતિઓ સાથે આ મંદિરની સાર સંભાળ લેવામાં વહીવટદાર દ્વારા આવશે. આવતીકાલથી ભવનાથ મંદિરમાં વહીવટદારનું શાસન લાગુ પડશે તો ભવનાથ મંદિરમાં મહંત હરિગીરીબાપુ નહીં રહી શકે જેને લઈને મંદિર ખાલી કરવાની નોટિસ પણ તંત્ર દ્વારા આપી દેવાઈ છે.

ભવનાથ મંદિરના પૂર્વ મહંત હરિગીરી મહારાજ તેમજ ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ દ્વારા તંત્ર અને સરકારનો નિર્ણયને આવકાર્યો હતો અને માન્ય રાખ્યો હતો. તેમજ સરકાર અને કલેક્ટર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનો વિરોધ અમે કરતા નથી અને જે પણ નિર્ણય તંત્રનો રહેશે તેનું પાલન અમે કરીશું અને શિરોમાન્ય રહેશે. તેમજ ભવનાથ મહાદેવ અને ગિરનાર મહારાજની જે પણ ઈચ્છા હશે તે જ થયું છે તેવું નિવેદન આપ્યું હતું.