જૂનાગઢમાં આવેલા પ્રખ્યાત ભવનાથ મંદિરના મહંત હરિગીરીની મુદત ગુરુવારે ૩૧ જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે. જેથી પ્રથમવાર ભવનાથ મંદિરમાં સાધુને બદલે સરકારનું શાસન આવશે તેવી શક્યતાઓ પ્રબળ બની ગઈ છે.
ભવનાથના વર્તમાન મહંત હરિગીરી સામે ભૂતકાળમાં અને ગંભીર આક્ષેપો ઉઠ્યા હતા. જ્યારે હરિગીરીની મહંત તરીકે કલેક્ટર દ્વારા નિમણૂક કરવામાં આવી તે નિમણૂકમાં પણ તત્કાલીન કલેકટર રચિત રાજ દ્વારા ગેરરીતિ અને નિયમોને નેવે મૂક્યા હોવાના ખુદ ભાજપના ધારાસભ્ય આક્ષેપ કર્યા હતા. આ ઉપરાંત મહંત બનવા માટે કરોડોની લાંચ આપ્યાના પત્ર પણ જાહેર થયા હતા. હવે મહંત તરીકેની હરિગીરીની મુદત તારીખ ૩૧ જુલાઈના પૂર્ણ થઈ રહી છે નવા મહંત બનવા માટેની કલેકટર દ્વારા હજુ સુધી કોઈ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી.
ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કલેકટર દ્વારા કરવામાં આવે છે. ભવનાથના અગાઉના જે મહંતો હતા તેમના શિષ્યોને મહંત બનાવવાની જાગવાઈ છે પરંતુ હજુ સુધી કોઈ પ્રક્રિયા પણ શરૂ થઈ નથી એટલે તારીખ ૧ ઓગસ્ટથી ભવનાથ મંદિરમાં સાધુને બદલે સરકારનું શાસન આવે તેવી શક્યતાઓ જાવા મળી રહી છે.
આ સમગ્ર મામલે ભવનાથના વર્તમાન મંહત હરિગીરીએ જણાવ્યું કે સરકાર જે નિર્ણય કરે તે શિરોમાન્ય રહેશે, જ્યારે મહંતનો દાવો કરનાર અને વર્ષોથી લડાઈ કરનાર રાજુગીરીએ સરકાર પર આક્ષેપ કર્યો છે કે અમારા પરિવારનો મંહત તરીકે કાયદેસરનો હક હોવા છતાં સરકાર અન્યાય કરી રહી છે.