ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરનો નવાબી કાળનો ભવ્ય વારસો એક પછી એક લુપ્ત થઈ રહ્યો છે. આ વખતે બોલિવુડની ગ્લેમર ગર્લ તરીકે જાણીતી દિવંગત અભિનેત્રી પરવીન બાબીની પૈતૃક હવેલી જે જૂનાગઢના ઈતિહાસ સાથે ગાઢ રીતે જાડાયેલી હતી, તેને રહસ્યમય રીતે તોડી પાડવામાં આવી છે. આ ઘટનાએ શહેરમાં ભારે રોષ અને આશ્ચર્યનું વાતાવરણ સર્જ્‌યું છે.
સ્થાનિક વેપારીઓ અને આસપાસના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આ હવેલી અને તેની કલાત્મક કમાન એટલી મજબૂત હતી કે તેને તોડવા માટે ૧૨થી ૧૩ દિવસનો સમય લાગ્યો હતો. જૂના ફર્નિચરના વેપારી રિઝવાન સોરઠીયા અનુસાર, “આ કમાન માત્ર એક જ પિલર પર ઊભી હતી. તેને પાડવા માટે ૨ જેસીબી મશીનો અને હેવી વાયરોનો ઉપયોગ કરવામાં આવ્યો, છતાં પણ તે હલતી નહોતી. આટલી મજબૂત બાંધણીવાળી ઐતિહાસિક ઇમારતને આટલી ઉતાવળમાં તોડવાની જરૂર શું હતી?”
તોડફોડ પછી હવેલીમાંથી નીકળેલા કિંમતી સાગના લાકડાના બારી-દરવાજા, વિશાળ બીમ અને નવાબી યુગના અમૂલ્ય પથ્થરો રાતોરાત ટ્રેક્ટરોમાં ભરીને લઈ જવામાં આવ્યા હોવાનું સ્થાનિક વેપારીઓએ જણાવ્યું છે. આ સમગ્ર કામગીરી દરમિયાન વિસ્તારના રસ્તાઓ પતરાંથી બંધ કરી દેવામાં આવ્યા હતા અને લગભગ ૧૫ દિવસ સુધી લોકોની અવરજવર પર પ્રતિબંધ જેવી સ્થિતિ રહી હતી.સ્થાનિકોમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કોઈ વ્યવસ્થિત કૌભાંડ હોઈ શકે છે. પ્રશ્ન ઊભો થાય છે કે, શહેરના મુખ્ય વિસ્તારમાં ટ્રેક્ટરો ભરીને કિંમતી માલ લઈ જતો હોય ત્યારે પોલીસ કે મહાનગરપાલિકાના અધિકારીઓની નજર કેમ ન પડી?
આ મામલે જ્યારે સરકારી તંત્રનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારે સ્પષ્ટ કર્યું કે, “પરવીન બાબીની પ્રોપર્ટી અમારા દ્વારા તોડવામાં આવી નથી. કોર્પોરેશન માત્ર જર્જરિત બિલ્ડિંગોને નોટિસ આપીને તોડે છે, પરંતુ આ કિસ્સામાં અમારી તરફથી કોઈ કામગીરી થઈ નથી.” આર એન્ડ બી વિભાગના અધિકારીઓએ પણ જણાવ્યું કે આ મિલકત તેમના હસ્તક આવતી નથી.