સંત સુરા અને સાવજાની ભૂમિ એટલે જૂનાગઢ. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પર આવેલા ધાર્મિક સ્થાનોના દર્શન કરવા ઉમટી પડે છે પરંતુ પ્રાથમિક સુવિધાનો જ અભાવ હોવાથી શ્રદ્ધાળુઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રવાસન સ્થળોના વિકાસ માટે સરકાર અનેક પ્રયત્નો કરે છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ગિરનાર પર્વત પર પ્રાથમિક સુવિધાનો અભાવ છે. વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પર મા અંબે, દત્ત શિખર સહિતના જુદા જુદા ધાર્મિક સ્થળોએ આવી પહોંચે છે.
છેલ્લા બે વર્ષથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના કારણે શ્રદ્ધાળુઓ પ્લાસ્ટિકની પાણીની બોટલ પણ લઈ જઈ શકતા નથી તેમજ શૌચાલય પણ ગંદકીથી ભર્યા છે. અહીંયા છેલ્લા ઘણા સમયથી શૌચાલય બનાવવામાં આવ્યા છે પરંતુ તે બંધ હાલતમાં હતા. અનેક રજૂઆત બાદ શૌચાલય ખોલી દેવામાં આવ્યા પરંતુ ત્યાં કોઈ જઈ ન શકે તેવી સ્થિતિ છે. શૌચાલયમાં પાણી ન આવતું હોવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.
ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે ત્યારે બહારના રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓએ જૂનાગઢ વહીવટી તંત્ર અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. ૧૦,૦૦૦ સીડીઓ ચડીને દત્ત શિખર સુધી શ્રદ્ધાળુઓ જતા હોય છે પરંતુ તેમને રસ્તામાં પાણી કે શૌચાલય ન મળતા હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
પ્લાસ્ટિક પ્રતિબંધ મૂક્યા બાદ તંત્ર દ્વારા ગિરનાર પર પાણીની કોઈ જ વ્યવસ્થા કરી નથી. ફક્ત છેલ્લા ઘણા સમયથી પાણીની પાઇપલાઇન ગિરનાર સુધી પહોંચાડવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ અત્યાર સુધી કોઈ જ કામગીરી થઈ નથી જેના પરિણામે શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી વ્યાપી છે.
ઉલ્લેખનીય છે કે લોકોની ફરિયાદના આધારે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા શૌચાલયની તપાસ કરાઈ. શૌચાલય જાણે એક ભૂત બંગલો હોય તેવી સ્થિતિ જાવા મળી. શૌચાલયની અંદર એન્ટર થતા ચારે કોર ગંદકીનું સામ્રાજ્ય હતું. અંદર એન્ટર થાવ એટલે તમને ઊલટી જ થવા લાગે તેવી સ્થિતિ હતી. ફક્ત નામના જ શૌચાલય તંત્ર દ્વારા ખોલી દેવામાં આવ્યા છે પરંતુ ત્યાં કોઈ જ વ્યવસ્થા નથી તે સાબિત થાય છે. પાણી વગર શૌચાલય શું કામનું? પાણી ક્યારે પહોંચશે તે મુખ્ય સવાલ છે.