અમદાવાદમાં વાસણા ખાતે જીવરાજ મહેતા પાર્ક નજીક આગની ઘટના બની હતી, જેમાં રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળી હતી. જ્ઞાનદા સોસાયટીના ઘર નંબર ૨૪ ના ગોડાઉનમાં રાખેલા એસી, ફ્રિજ, લાઇટર ગેસ સિલિન્ડર અને કોમ્પ્રેસરમાં વિસ્ફોટ થતાં એક ગર્ભવતી મહિલા અને તેના ૨ વર્ષના પુત્રનું મોત નીપજ્યું હતું. સિલિન્ડર વિસ્ફોટને કારણે ભીષણ આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.

માહિતી મુજબ, બંગલાના માલિકે ગ્રાઉન્ડ ફ્લોરને ગેરકાયદેસર વેરહાઉસમાં ફેરવી દીધો હતો. મકાનમાલિકના પત્ની સરસ્વતીબેન (૪૨) અને પુત્ર સૌમ્ય (૨)નું ઉપરના માળે ગૂંગળામણથી મૃત્યુ થયું. મકાનમાલિક, જગદીશ મેઘાણી, બાજુના સંકુલમાં એસી અને રેફ્રિજરેટર માટે કાચા માલનો વ્યવસાય ચલાવે છે. ઘરમાં લગભગ ૩૦૦૦ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. આગમાં નજીકમાં પાર્ક કરેલી ૪ કાર અને ૭ ટુ-વ્હીલર બળીને રાખ થઈ ગયા હતા.

સોસાયટીના ચેરમેનના મતે દક્ષિણ પશ્ચિમ ઝોનનાં એસ્ટેટ વિભાગને ગેરકાયદેસર ધમધમતા ગોડાઉનની માહિતી આપી હતી તેમજ દુર્ઘટના સર્જાવાની આશંકા વ્યક્ત કરી હતી. ઘરમાં જ ગેસના બાટલા સંગ્રહિત કરાતા જાનમાલનનું નુકસાન થવાનો પણ ભય રહેલો હતો. નોટિસમાં પણ સ્પષ્ટ કહ્યું હતું. આગ લાગવાથી નજીકના ૨ ઘરો, ૪ કાર અને ૭ ટુ-વ્હીલરોને ઘણું નુકસાન થયું હતું, તેમજ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગતા જ ફાયરબ્રિગેડને જાણ કરી દેવાઈ હતી. મહિલા અને એક બાળક બેભાન અવસ્થામાં હતા, પરંતુ સારવાર માટે લઈ જતાં જ દમ તોડ્યો હતો.