અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા ફરિયાદ નિવારણ અને સંક્લન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને ધારી-બગસરા-ખાંભા મતવિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયાની ઉપસ્થિતિમાં તેમના પ્રશ્નોનું જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં હકારાત્મક નિવારણ આવ્યું હતું.જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગોને જનપ્રતિધિઓના પ્રશ્નોના નિવારણ માટે માર્ગદર્શન આપી દિશા-નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ વર્તમાનમાં રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલી ટેકાની ખરીદીના કેન્દ્રો પર ખરીદી માટે જરૂરી જણસના વજન અંગેની તમામ વિગતોનું એક માર્ગદર્શક બેનર મૂકવામાં આવે તેવું સૂચન કર્યુ હતું. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જિલ્લા રાસાયણિક ખાતર વિતરણ સમિતિની બેઠકમાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ પીપળીયાએ જિલ્લામાં ઉપલબ્ધ રાસાયણિક ખાતરના જથ્થા અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં યુરિયાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ડી.એ.પી અને તેના સમકક્ષ એન.પી.કે.ના પોષક તત્વો અંગે ખેડૂતોમાં જાગૃતિ પ્રસરાવવામાં આવી હતી.










































