આગામી તા. ૧૫ નવેમ્બરના રોજ મુંડા જનજાતિના મહાન જનનાયક ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આજરોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્‌યાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલે સંબંધિત અધિકારીઓ સાથે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમના સુચારું આયોજન સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી હતી. જિલ્લાના દરેક તાલુકામાં કાર્યક્રમોનું આયોજન સુચારું રીતે થાય તે માટે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે સૂચનાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે, અમરેલી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે જેમાં સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવશે. જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને કોલેજ કક્ષાએ વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા સહિતની સ્પર્ધાઓ, વિવિધ દેશી રમત ગમત સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવશે. ઉપરાંત આરોગ્ય તપાસણી કેમ્પ પણ યોજાશે. સાથે સેવાસેતુ કાર્યક્રમ પણ યોજાશે. અમરેલી ખાતે યોગ શિબિરનું પણ આયોજન હાથ ધરવાની સૂચનાઓ જિલ્લા કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને આપી હતી.