અમરેલી જિલ્લામાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો રહ્યો હતો. ત્રણ ઘટનામાં એકનું મોત થયું હતું. હાલ સાવરકુંડલામાં રહેતા મૂળ દોલતી ગામના ભરતભાઈ ભીખાભાઈ પરમાર (ઉ.વ.૩૨)એ દોલતી ગામના સનેડાના ચાલક માધાભાઈ નાગજીભાઈ વિરાણી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા તેમના કાકા બાઈક લઈને દોલતી ગામમાં હનુમાનજી દાદાના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે આરોપીએ ટક્કર મારી હતી. જેમાં તેમને બંનેને ઈજા થઈ હતી. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. એસ. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે. અકસ્માતના બીજા બનાવમાં સાવરકુંડલામાં રહેતા અને સેવાપૂજા કરતા શીવગીરી અમરગીરી કુવારડા (ઉ.વ.૪૮)એ જાહેર કર્યા મુજબ, તેમનો પુત્ર જયદીપ (ઉ.વ.૨૫) ચલાલાથી ગોપાલગ્રામ તરફ જતો હતો ત્યારે કાબુ ગુમાવતાં મોટરસાયકલ ખાળીયામાં ઉતરી ગયું હતું. જેના કારણે ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. ચલાલા પોલીસ સ્ટેશનના એએસઆઈ માધવજીભાઈ લક્ષ્મણભાઈ ડાભી વધુ તપાસ કરી રહ્યા છે. અકસ્માતના ત્રીજા બનાવમાં મહુવામાં રહેતા જગદીશભાઈ માવજીભાઈ ભોજાણી (ઉ.વ.૪૨)એ ટ્રેકટર ચાલક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, દાતરડી ગામના પુલ પાસેથી તેમની ફોર વ્હીલ લઈને પસાર થતા હતા ત્યારે આરોપીએ ટક્કર મારી હતી. જેમાં તેમને ઈજા થઈ હતી. તેમજ ટ્રેકટરની ટ્રોલીમાં બેસેલા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.