અમરેલી જિલ્લાના બાબરા શહેરમાંથી કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બોગસ ડોક્ટર સરકારી માન્યતા પ્રાપ્ત એલોપેથીક ડિગ્રી ન હોવા છતાં ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. જસદણના હડમતીયા ખાંડા ગામે રહેતા હેમંતભાઇ મશરૂભાઇ શેખ પાસે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરની કોઈ પણ ડિગ્રી ન હોવા છતાં ક્લિનિક ખોલીને બેઠો હતો. તે દર્દીઓ પાસેથી ફી વસૂલીને તેમનું નિદાન તેમજ એલોપેથીક સારવાર કરતો હતો. પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી એલોપેથીક દવાઓ અને મેડિકલને લગતા સાધનો સહિત કુલ રૂ. ૨૪,૬૦૮/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.સી.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.








































