અમરેલી તાલુકાના જાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ગામોમાં તાવ, ચિકનગુનીયાના શંકાસ્પદ કેસો આવતા આરોગ્યની ટીમોએ સઘન ડોર ટુ ડોર સર્વે કરી પોરાનાશક કામગીરી કરતા રોગચાળાને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવવા સફળ પ્રાપ્ત થઈ છે. જેમાં ડોર ટુ ડોર સર્વે કામગીરી અંતર્ગત જાળીયાના ૬૧૫ જેટલા ઘરો અને કેરાળાના ૧૪૬ જેટલા ઘરોની સમયાંતરે મુલાકાત લેવામાં આવી હતી અને આરોગ્યકર્મીઓએ જાળીયામાં ૬૮૮૫ પાત્રોની ચકાસણી કરી હતી. જેમાંથી ૧૪૬ જેટલા ઘરોમાં મચ્છરોનું બ્રીડીંગ જોવા મળતા ૧૭૧ જેટલા પાત્રો ખાલી કરાવી ૮૦ જેટલા નકામા પાત્રોનો નિકાલ કરવામા કરાયો હતો. આરોગ્યકર્મીઓ દ્વારા નોંધાયેલા ડેંગ્યુ અને ચિકનગુનીયાના કેસો વાળા ઘરોની આજુબાજુના વિસ્તારોમાં સમયાંતરે ફોંગીંગ કામગીરી તથા ગામમાં બે વાર સ્ટ્રીટ ફોંગીંગ કામગીરી કરવામા આવી છે.
આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવતા ગ્રામજનોએ પણ ઘરોમાં ભરેલા ચોખ્ખા પાણીના પાત્રો ઢાંકીને રાખવા, ફ્રીજની ટ્રે, પાણીના કુંડા, નિયમીત સાફ સફાઈ કરી તંત્રને સહભાગી બનતા તંત્રના કર્મીઓની કામગીરી અને ગ્રામજનોની જાગૃતતાના પગલે જાળીયામાં છેલ્લા ૧૫ દિવસમાં અને કેરાળામાં છેલ્લા એક માસથી એક પણ મલેરીયા, ડેંગ્યુ કે ચિકનગુનીયાના કન્ફર્મ કેસ નાંધાયો નથી. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એચ.પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સિન્હા, મેડિકલ ઓફિસર સહિતની આરોગ્ય ટીમની જહેમતથી જાળીયા અને કેરાળા ખાતે રોગચાળાને નિયંત્રણમાં લાવવા સફળતા મળી છે.