જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલી એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદમાં શાસક પક્ષ ભાજપ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમ જેમ સ્થાનિક ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ જામનગરનો રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, પૂર્વ સાંસદ વિક્રમ માડમ અને કોંગ્રેસના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર પરિષદમાં કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે જામનગર મહાનગર પાલિકામાં ભાજપના શાસન દરમિયાન વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે. નેતાઓએ ચોંકાવનારો દાવો કર્યો હતો કે મનપાના દરેક કામમાં ૪૦ ટકા ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોન્ટ્રાક્ટરો અને સત્તાધારી પક્ષના પદાધિકારીઓ વચ્ચે ખુલ્લેઆમ મિલીભગત ચાલી રહી છે, જેના કારણે જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરી ગુણવત્તા વગરના કામો કરવામાં આવી રહ્યા છે.
પૂર્વ સાંસદ વિક્રમ માડમે આક્રમક તોર બતાવતા ભાજપના નેતાઓને ખુલ્લી ડિબેટ (ચર્ચા) માટે પડકાર ફેંક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જા ભાજપે સાચે જ પારદર્શક રીતે કામ કર્યું હોય, તો તેઓ કોંગ્રેસ સાથે જાહેરમાં ચર્ચા કરવા તૈયાર થાય.
કોંગ્રેસ નેતાઓએ જામનગરના પડતર પ્રશ્નો અને નિષ્ફળ ગયેલા પ્રોજેક્ટ્સની યાદી રજૂ કરતા જણાવ્યું હતું કે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટને કારણે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. ઉપરાંત, ક્રિકેટ મેદાન અને સ્મશાન જેવા મહત્વના કામો હજુ સુધી પૂર્ણ થયા ન હોવાનો અથવા તેમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો પણ આરોપ લગાવાયો હતો.
ધોરાજીના ધારાસભ્ય અને કોંગ્રેસના અગ્રણી નેતા લલિત વસોયાએ આ તકે ભાજપ સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ભાજપ માત્ર જાહેરાતોમાં જ વિકાસ બતાવે છે, વાસ્તવિકતામાં જામનગરની જનતા ભ્રષ્ટાચાર અને પાયાની સુવિધાઓના અભાવથી પીડાઈ રહી છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “જામનગર મનપામાં ભ્રષ્ટાચારની સીમા વટાવી દેવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો અને નેતાઓની ભાગીદારીમાં જનતાના પૈસા લૂંટાઈ રહ્યા છે.”
આ પત્રકાર પરિષદ બાદ જામનગરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આવનારા દિવસોમાં આ મુદ્દાઓ પર વધુ રાજકીય ઘડાઘડી થવાની શક્યતા છે.










































