શહેરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં ત્રણ દિવસથી લાપતા ત્રણ સંતાનની વિધવા માતાનો બંધ મકાનમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં ચારે બાજુ ચકચાર મચી છે. આ મામલે મૃતકના મોટા પુત્રએ હત્યાની શંકા વ્યક્ત કરી પોતાના જ મિત્ર પર ગંભીર આરોપો લગાવ્યા છે. ત્યારે પોલીસે પણ પ્રાથમિક તપાસ હાથ ધરી ગળેટૂંપો આપી આ મહિલાની હત્યા કરાઈ હોવાની આશંકા દર્શાવી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતાં જામનગરમાં હડકંપ મચ્યો છે.
વિગતે વાત કરીએ તો, મૂળ મથુરાની વતની રિન્કીદેવી કઠેરિયા નામની મહિલાનો પતિ બન્ટુસિંહનું વર્ષ ૨૦૨૧માં હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. જે બાદ તે પોતાના ત્રણ સંતાનો ૧૯ વર્ષીય રોહિત, ૧૭ વર્ષીય નીતિન અને ૬ વર્ષીય દીકરી અંજલિ કઠેરિયા સાથે જામનગર શહેરની ડિફેન્સ કોલોની, શેરી નંબર ૨માં રહી નાઘેડી ગામમાં આવેલી દવાની ફેક્ટરીમાં કામ કરી ગુજરાન ચલાવતી હતી. દરમિયાન બે દિવસ પહેલાં આ વિધવા અચાનક લાપત્તા બની હતી, જેનો આજે ૨૬મી માર્ચને બપોરના સમયે એક મકાનમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે.
મળતી વિગતો અનુસાર, બે દિવસ પહેલા રિન્કીદેવી કઠેરિયા ગુમ થઈ હોવાની તેના મોટા દીકરા રોહિતે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે વિવિધ ટીમો બનાવી તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેણીના રહેણાંક મકાનની પાછળના વિસ્તારમાં રહેતા વિજય ઓડિચ નામના શખ્સના ઘરમાંથી મળી આવ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરતાં રિન્કીદેવીની કોઈએ ગળેટૂંપો આપી હત્યા નીપજાવી હોવાનું અનુમાન લગાવ્યું છે. જાકે વધુ તપાસ માટે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે હોસ્પિટલ ખસેડેલ છે અને જ્યાંથી મૃતદેહ મળ્યો તે મકાનમાં વિજય ઓડિચની અટક કરી તપાસનો ધમધમાટ શરૂ કરી છે.
બનાવને લઈને મૃતક રિન્કીદેવીના મોટા દીકરા રોહિતે પણ વિજય ઓડિચ પર હત્યાના આરોપો લગાવ્યા છે. રોહિતે કહ્યું કે, વિજય ઓડિચ મારા મિત્ર જેવો હતો, છેલ્લા ૬-૭ વર્ષથી તે મા(મૃતક રિન્કીદેવી) રાખડી બાંધતી (ભાઈ-બહેનના સંબંધ) હતી. જાકે તેણે જ મારી માતાની હત્યા કરી છે. જાકે તેણે કયા કારણોસર અને કેવી રીતે આખી ઘટનાને અંજામ આપ્યો? તે હાલ તપાસનો વિષય છે જે જાણવા માટે પોલીસે પ્રાથમિક તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.










































