જામનગર જિલ્લામાં એક ચોંકવાનારા બનાવ સામે આવ્યો છે. જેમાં લીવઈનમાં રહેતા યુવકનું અપહરણ કરીને તેને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારી દીધું હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકનું નામ આશિષ અસવાર હોવાનું સામે આવ્યું છે અને તે ક્રિષ્ના નામની યુવતી સાથે લીવઈનમાં રહેતો હતો.

આ સમગ્ર મામલે પ્રેમિકા ક્રિષ્નાના પિતા, ફુવા, ફઈ અને ફઈના પુત્રએ સાથે મળી કાવતરું રચ્યું હતું. ૭ મે ૨૦૨૫ના રોજ આશિષ અસવારનું અપહરણ કરી કનસુમરા નજીક અવાવરુ જગ્યાએ ઢોરમાર મારી ફેંકી દેવાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ દોડતી થઈ હતી.

આશિષને ઘાયલ હોવાથી ૧૦૮ દ્વારા તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા નિપજતા પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બનાવના પગલે બ્રહ્મસમાજના આગેવાનો હોસ્પીટલે દોડી ગયા હતા અને મૃતક યુવક ક્રિષ્નાબેન નામની યુવતી સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.

૧૨ દિવસની સારવારના અંતે યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા નિપજતા પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને ભારે હોબાળો મચ્યો હતો. આ સમગ્ર પ્રકરણ દરમ્યાન યુવકનું અપહરણ થતાં ક્રિષ્નાબેન તેના ફૈબાને ફોન પર વાત કરતા હતા ત્યારે સામેથી એવો જવાબ મળ્યો હતો કે તારા પિતા અને તારા ફુવા સહિતના આશિષને ઉઠાવી ગયા છે. તારે જે કરવું હોય તે કરી લેજે એમ કહ્યું હતું.

સમગ્ર મામલે યુવતી ક્રિષ્ના પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં આશિષનું અપહરણ કરી ઢોરમાર મારવા મુદ્દે તેના પિતા વિક્રમ કેશવાલા, ફુવા રામદેવ બોખીરયા, ફૈબા નિરૂબેન બોખીરયા અને વિવેક બોખીરયા સામે ફરિયાદ નોંધાવી હતી.

આ હુમલાની ઘટનામાં યુવકનું મોત નિપજતા પોલીસે હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફૈબા નિરૂબેન બોખીરયા નામની મહિલાની અટકાયત બાદ પ્રેમિકાના પિતા વિક્રમ કેશવાલા, ફુવા રામદેવ બોખીરીયા અને વિવેક બોખીરીયાની અટકાયત કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલ તો પ્રેમ પ્રકરણમાં યુવતી સાથે રહેતા પ્રેમીની હત્યા પાછળ પ્રેમિકાના પિતા, ફુવા અને પિતરાઈ ભાઈ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પરંતુ પ્રેમિકા વેરઝેરના આ કિસ્સામાં નોંધારા બની ગઈ છે. ત્યારે યુવકની અપહરણ અને માર મારી મોતને ઘાટ ઉતારવાની આ મામલે તપાસ હાથ ધરી છે.