અમરેલી જિલ્લામાં કેટલાક દિવસોના વિરામ બાદ ફરી મેઘરાજાએ હેત વરસાવ્યું છે. જિલ્લામાં જાફરાબાદ પંથકમાં કડાકા ભડાકા સાથે એક ઈંચ વરસાદ પડી ગયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો છે. જાફરાબાદ સહિત જિલ્લાના અન્ય શહેરોમાં ધોધમાર વરસાદને પગલે મુખ્ય પાકો મગફળી, કપાસ અને સોયાબીનને ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જિલ્લામાં વરસાદી માહોલ બનતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં ધોધમાર હેત વરસાવતા મોટાભાગના ડેમોમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. અનેક ડેમો ઓવરફ્‌લો થવાની સ્થિતિ સુધી પણ પહોંચી ગયા હતા.