જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામે આવેલ રાજ્ય અનામત પોલીસ દળ (SRPF) ગ્રુપ-૨૧ ની શરૂ થયેલી કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે. બાલાનીવાવ ગ્રામ પંચાયતના સરપંચ કરશનભાઈ જે. જોગદિયા અને ઉપસરપંચ પહુભાઇ એમ. વરૂ દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પત્ર લખીને આ અંગે તાત્કાલિક વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી છે.
ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી રૂબરૂ સ્થળ તપાસમાં જણાયું હતું કે, દિવાલના પુટીંગ અને બિલ્ડીંગના કામમાં પ્લાન એસ્ટીમેન્ટ કે ટેન્ડરના નીતિ-નિયમો મુજબ કામ થતું નથી. કોલમના પુટીંગમાં અને બિલ્ડીંગના ખોદકામમાં બ્લેક રબલ વાપરવાની જગ્યાએ હલકી ગુણવત્તાનું જીએસબી મટીરીયલ નાખવામાં આવ્યું છે. રબર પીચીંગમાં નદીની ધૂળવાળી રેતી વાપરવામાં આવે છે, જ્યારે કોંક્રિટમાં સ્થાનિક ખારાશવાળું પાણી વપરાતા આર.સી.સી. બાઉન્ડ્રી વોલમાં દરેક જગ્યાએ ક્રેક પડી ગઈ છે. સાઇટ પર RMC પ્લાન્ટ હોવા છતાં કોંક્રિટની ગુણવત્તા જળવાતી નથી અને સિમેન્ટ-કોંક્રિટનું પ્રમાણ પણ યોગ્ય ન હોવાનો સંદેહ વ્યક્ત કરાયો છે. અહીં ટેકનિકલ ધોરણો મુજબ કામ થતું નથી તેમજ યોગ્ય દેખરેખ અને ગુણવત્તા નિયંત્રણનો સદંતર અભાવ જોવા મળ્યો છે.