જાફરાબાદમાં હોળીના તહેવારમાં ગેર રમવાની બાબતે મામલો બિચક્યો હતો. મહિલાનું બ્લાઉઝ ફાડી છેડતી કરી ઘરમાંથી ૪ લાખની લૂંટ કરવામાં આવી હતી. બનાવ સંદર્ભે વિનોદભાઇ બાબુભાઇ વંશ (ઉ.વ.૪૦) એ સંજયભાઇ મંગાભાઇ બારૈયા, જીતેનભાઇ મંગાભાઇ બારૈયા, મંગાભાઇ કાનાભાઇ બારૈયા, અર્જુનભાઇ જીતનભાઇ બારૈયા, મહેંદ્રભાઇ મંગાભાઇ બારૈયા, તુલશીભાઇ ઉર્ફે ચાઇનીશ બાંભણીયા, રામજીભાઇ રાણાભાઇ બાંભણીયા, સંજય મંગાનો મોટો દીકરો તથા હરેશભાઇ કરશનભાઇ ભાલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમને હોળીના તહેવારમાં ગેર રમવાની બાબતમાં બંદર ચોક ખાતે આરોપીએ જમણા ગાલ ઉપર તમાચો મારતા અંદરોઅંદર ઝપાઝપી થઈ હતી. સ્થાનિક આગેવાનો આવી જતા તેમને છુટા પાડ્યા હતા અને તહેવાર હોય કોઇએ ઝઘડો કરવો નહીં તેવું સમજાવ્યું હતું. તેઓ તેમના ઘરે જતા હતા ત્યારે તમામ આરોપીએ પોતાના હાથમાં લાકડી, તલવાર, ફાઇબરના ટુકડા, લાકડાનું બેટ વતી તેમના ઘરના સભ્યો ઉપર હુમલો કર્યો હતો. તેમની પત્નીને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. તેમજ તેમના દીકરા તથા ભાણેજને પણ ફટકાર્યા હતા. ઉપરાંત તેમના ભાઇની પત્નીને નીચે પાડી દઇ બ્લાઉઝ ફાડી છેડતી કરી હતી. આરોપીઓમાંથી કોઇએ તેમના ભાઇ યોગેશભાઇના ગળામાંથી સોનાની ચેઇન નંગ-૨ જેનું વજન આશરે ૪ તોલાની લૂંટ ચલાવી હતી. જેની આશરે કિં.રૂ.૪,૦૦,૦૦૦ જાહેર થઈ હતી. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એસ. ઈશરાણી વધુ તપાસ કરી રહ્યા છે.