અમરેલી જિલ્લાના છેવાડાના અને અતિ પછાત એવા જાફરાબાદ તાલુકાના હેમાળ ગામના ખેડૂતે પોતાના ૧૩ વિઘાના ખેતરમાં ડુંગળીનો પાક માવઠાના કારણે સંપૂર્ણ નિષ્ફળ જતા કંટાળીને તેને પશુઓ માટે ચરવા મૂકી દીધો હતો. હેમાળના ખેડૂત છગનભાઇ વસરામભાઈ પડશાળાએ ૧૩ વિઘામાં ડુંગળીના વાવેતર માટે અંદાજે બે લાખનો ખર્ચ કર્યો હતો. પરંતુ માવઠાને કારણે ડુંગળીનો પાક નિષ્ફળ જતા તેમણે પશુઓને ડુંગળીના પાકમાં ચરવા માટે મૂકી દીધા હતા અને સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી હતી. જોકે સરકાર દ્વારા ખેડૂતો માટે મોટા પેકેજની જાહેરાત પણ કરવામાં આવી છે. જાફરાબાદ તાલુકાના મોટાભાગના ખેડૂતો માત્ર એક ચોમાસું પાક ઉપર નિર્ભર હોય અને તેમાં પણ આવી કુદરતી થપાટથી જગતના તાત મૂંઝવણમાં મુકાયા હતા.