તાજેતરમાં જાફરાબાદના દરિયાકાંઠે સર્જાયેલી દુઃખદ ઘટનાને પગલે, ઈફકોના ચેરમેન અને સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ સમુદ્રી તોફાનમાં જીવ ગુમાવનાર અને લાપતા થયેલ માછીમારોના પરિવારજનોની મુલાકાત લીધી હતી. તેમણે શોકગ્રસ્ત પરિવારોને મળીને હૈયાધારણ અને સાંત્વના પાઠવી હતી.જાફરાબાદ નજીક દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટ તોફાની હવામાનને કારણે મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી, જેના પરિણામે ૧૧ ખલાસીઓ લાપતા થયા હતા. અનેક દિવસોની શોધખોળ બાદ બે ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય લાપતા છે.આ દુઃખદ ઘટનાથી વ્યથિત થઈને દિલીપ સંઘાણી તાત્કાલિક જાફરાબાદ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હજુ પણ લાપતા બોટ અને નાવિકોની શોધખોળ ઝડપી બનાવવા માટે ડ્રોન અને ઉપગ્રહોની મદદ લેવા માટે ઉચ્ચકક્ષાએ રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન સંઘાણી સાથે પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા, જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ચેતનભાઈ શિયાળ સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા







































