જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ નજીક એક સિંહણને વાવમાંથી બચાવવામાં આવી છે. રાત્રે લગભગ ૨ વાગ્યે શિકારની શોધમાં નીકળેલી સિંહણ ૩૫ ફૂટ ઊંડી વાવમાં પડી ગઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ વન વિભાગને જાણ કરી. જાફરાબાદ રેન્જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગે દોરડા અને ખાટલાની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. સિંહણ ખાટલા પર બેસી જતાં, સાઈડ શટર પાંજરું નીચે ઉતારી તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. રેસ્ક્યુ બાદ સિંહણને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. અહીં એનિમલ ડોક્ટરની ટીમ દ્વારા તેના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવશે. જરૂર પડ્યે યોગ્ય સારવાર પણ આપવામાં આવશે. અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા જેવા વન્યપ્રાણીઓની સંખ્યા વધારે છે. રાત્રે અને વહેલી સવારે શિકારની શોધમાં નીકળતા આ પ્રાણીઓની ખુલ્લા કૂવાઓમાં પડવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે.