એલસીબી પીઆઈ વી.એમ. કોલાદરાની ટીમે ટેકનિકલ સોર્સના આધારે ચાર શંકાસ્પદ ઇસમોને ફોરવ્હીલ વાહનમાં મગફળી સાથે પકડી પાડ્યા હતા. સઘન પૂછપરછ દરમિયાન, આરોપીઓએ લોઠપુર ગામે મગફળીના પાકની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા ચાર આરોપીઓમાં રાહુલભાઈ ઉર્ફે ગઢીયો પાંચાભાઈ વાઘેલા (ઉં.વ. ૨૫, રહે. બર્બટાણા, રાજુલા), મુનાભાઈ કનુભાઈ પરમાર (ઉં.વ. ૨૧, હાલ રહે. પોરબંદર, મૂળ રહે. લોઠપુર, જાફરાબાદ), સાગરભાઈ રામભાઈ પરમાર (રહે. લોઠપુર, જાફરાબાદ) અને ગોપાલભાઈ રામભાઈ પરમાર (ઉં.વ. ૨૦, રહે. લોઠપુર, જાફરાબાદ) નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ૮ મણ મગફળી, જેની કિંમત રૂ.૮,૦૦૦/- છે, અને ચોરીમાં વપરાયેલ મારુતિ સુઝુકી કંપનીની ઇકો ફોરવ્હીલ જેની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- છે, તે મળી કુલ રૂ.૩,૦૮,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચોરી આશરે ૨૦ દિવસ પહેલા રાત્રિના એક વાગ્યાના અરસામાં લોઠપુર ગામે થઈ હતી. આરોપીઓ ઇકો ફોરવ્હીલ સાથે આવીને એક ઓરડીનું તાળું તોડી આશરે ૩૦ ગુણી મગફળીના પાકની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરિયાદ નોંધાઈ હતી.










































