તાલુકાના ભાડા ગામે સામાજિક સંબંધો રાખવા જેવી સામાન્ય બાબતે પાડોશી કે સામાવાળા પક્ષે હિંસક વલણ અપનાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદીના ઘરે ખબર-અંતર પૂછવા આવતા સંબંધીઓ અને ગામના લોકોની અવરજવર સામાવાળાને ન ગમતા, ઝઘડો કરી મારપીટ કરવામાં આવી હતી.આ અંગે બેબીબેન દેવાભાઈ રાઠોડ (ઉ.વ.૬૦)એ કલ્પેશભાઈ દેવાભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના ઘરે જ્યારે ગામના લોકો અથવા સગા-સંબંધીઓ ખબર પૂછવા માટે આવતા, ત્યારે આરોપીને ગમતું નહોતું. તેઓ ત્યાં ન રહે અથવા કોઈની સાથે સંબંધ ન રાખે તેમ ઈચ્છતા હતા આ બાબતની ઈર્ષ્યા અને મનદુઃખ રાખીને વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામાવાળાએ ફરિયાદી સાથે ગાળાગાળી કરી હતી. તેમને ગાળો આપી અપમાનિત કર્યા હતા. તેમજ ઢીકાપાટુનો આડેધડ માર મારીને શરીરે ગંભીર મૂઢ માર માર્યો હતો. ઉપરાંત શારીરિક ઈજાઓ પહોંચાડી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.