અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર વન્યપ્રાણીઓના મોતના સિલસિલામાં વધુ એક વન્ય પ્રાણીનું મોત નીપજ્યું છે. જાફરાબાદ રેન્જ હેઠળ આવતા નાગેશ્રી ટોલનાકા નજીક એક અજાણ્યા ફોરવીલ વાહન ચાલકે સિંહણને જોરદાર ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સિંહણ જ્યારે રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે તેને હડફેટે લીધી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક ટોલનાકામાંથી પસાર થઈ ઉના તરફ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ જાફરાબાદ રેન્જ વનવિભાગનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ તેજ કરી છે. વનવિભાગ દ્વારા ટોલનાકાના સીસીટીવી ફૂટેજ ચકાસીને ફરાર કાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. છેલ્લા માત્ર એક મહિનામાં આ પંથકમાં ૨ સિંહ અને ૧ દીપડા સહિત કુલ ૩ વન્યપ્રાણીઓના મોત થયા છે. નેશનલ હાઇવે પર વાહનોની ગતિ અને સિંહોની સુરક્ષાને લઈ હવે સિંહ પ્રેમીઓમાં ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.