અમરેલી જિલ્લામાં ભૂમાફિયાઓએ ગૌચરની જમીનને પણ છોડી નથી. આવા તત્વો જયાં ખુલ્લી જગ્યા ભાળે ત્યાં દબાણ કરી લેતા હોય જેથી આવા ઈસમો સામે કડક કાર્યવાહી માટે જાફરાબાદના ટીંબી ગામમાં ગૌચરની જમીન પર થયેલા દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગૌચર પર દબાણ કરવામાં આવ્યું હોવાની અનેકવાર રજૂઆત બાદ સક્રિય થયેલા તંત્રએ, પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ૯૦૦ વીઘા ગૌચરની જમીનને દબાણમુક્ત કરાવી હતી. આ કાર્યવાહીમાં કરોડો રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.