જાફરાબાદ પંથકમાં જૂની અદાવતનું મનદુઃખ રાખીને એક યુવક પર બે અલગ-અલગ સ્થળે હુમલો કરી, ગંભીર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. ઘટનાની વિગતમાં મળતી માહિતી મુજબ, આ કામના ફરિયાદીને આજથી બે મહિના પહેલા આરોપી જીણાભાઈ રામભાઈ પરમારની દીકરી પુનીબેન બાબતે આરોપીઓ સાથે ઝઘડો થયો હતો. આ જૂની બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ ફરિયાદી પર હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું. રોહીસા ગામના જીવાભાઈ નાથાભાઈ વાઘેલા (ઉ.વ.૪૭)એ તેમના ગામના ઉમેશભાઈ જીણાભાઈ પરમાર, ઉમેશભાઈના બનેવી ભરતભાઈ, જીણાભાઈ રામભાઈ પરમાર તથા બાજુબેન જીણાભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ જ્યારે જરગલી ગામે પોતાના બહેનના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ટીંબી ગામે સોંદરડી ગામના પાટિયા પાસે આરોપીઓએ પાછળથી મોટરસાયકલ લઈને આવી તેમને આંતર્યા હતા. ત્યાં આરોપીઓએ ગાળાગાળી કરી, ઢીકાપાટુનો માર મારી ફરિયાદીને મોટરસાયકલ પરથી પાડી દીધા હતા. ત્યારબાદ, તેઓ જ્યારે પરત રોહીસા જઈ રહ્યા હતા, ત્યારે ભાડા ગામે પાણીના ટાંકા પાસે આરોપીઓએ તેમને રોક્યા હતા. આ વખતે આરોપીઓએ લાકડી અને ઢીકાપાટુ વડે હિંસક હુમલો કરી શરીરે મૂઢ ઈજાઓ પહોંચાડી હતી તેમજ જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.