જાફરાબાદના ટીંબીના ખેડુત ઘનશ્યામભાઇ ભાલાળાએ કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણીને પત્ર લખીને ખેતપેદાશોના ભાવ વધુ ન મળતા હોવાથી ખેતરમાં ગાંજો વાવવાની મંજૂરી માગી છે. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતરમાં ઘઉં, કપાસ, સોયાબીન, તલ, ડુંગળી વગેરેની ખેતી કરે છે. પરંતુ ખેતીમાં છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેત ઓજારો વગેરેના ભાવમાં બેથી ત્રણ ગણો વધારો થયો છે અને ખેડૂતોને ખેતપેદાશોના ભાવ ખૂબ જ ઓછા મળે છે. આ પરિસ્થિતિમાં ખેતીનો ધંધો મજબૂરીથી કરે છે અને ન છૂટકે ખેતીવાડી છોડી બહાર હિજરત કરવી પડે તેમ છે. લોકો પેદાશોના ભાવ ન મળવાથી ખેતી છોડવા તૈયાર છીએ. જો, ગુજરાત સરકાર દ્વારા દારુ વેચવા માટે પરમીટ અપાય છે, અમુક લોકોને રિવોલ્વરની પરમીટ મળે છે તો અમને પણ અમારા ખેતરમાં સરકાર દ્વારા ગાંજો વાવવાની પરમીટ આપે તેવી માગણી છે. તેમણે આ અંગે સરકારના નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો સરકાર આ અંગે કોઇ નિર્ણય નહીં લેતો અનેક ખેડૂતો ખેતી છોડવા તૈયાર છે અને આવતી પેઢી કોઈ પણ ખેતીનો ધંધો નહીં કરે. આ પત્રની નકલ મુખ્યમંત્રી, કલેકટર, ખેતીવાડી અધિકારી, વિસ્તરણ અધિકારી-જાફરાબાદને મોકલી છે.









































