અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી ચડવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. તાજેતરમાં જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે એક દીપડાનું બચ્ચું કુવામાં ખાબક્યું હોવાની ઘટના સામે આવી છે. ચિત્રાસર ગામમાં આવેલી જીલુભાઇ રામભાઈ ડોડીયાની વાડીમાં આ અકસ્માત સર્જાયો હતો. દીપડાનું બચ્ચું શિકારની શોધમાં અથવા અંધારામાં ભૂલું પડીને વાડીના ખુલ્લા કુવામાં પડી ગયું હતું. વાડી માલિક જીલુભાઇને આ બાબતની જાણ થતા જ તેમણે માનવતા દાખવી તુરંત વન વિભાગને આ અંગે માહિતગાર કર્યા હતા. ઘટનાની જાણ થતા જ ટીંબી રાઉન્ડના રોહિસા બીટની વન વિભાગની ટીમ સાધન-સામગ્રી સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વન કર્મીઓએ ભારે જહેમત બાદ કુવામાંથી દીપડાના બચ્ચાને સહી-સલામત રીતે બહાર કાઢ્યું હતું. રેસ્ક્યુ કરાયેલા બચ્ચાને પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર અને નિરીક્ષણ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું છે.