તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જાફરાબાદ તાલુકામાં ભારે વરસાદથી થયેલા નુકસાન માટે માત્ર ૧૦ ગામોને જ સહાય પેકેજ જાહેર કરતા ખેડૂતોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. આ બાબતને લઈને અમરેલી જિલ્લા કારોબારી ચેરમેન કરસનભાઈ ભીલ અને જાફરાબાદ તાલુકા કારોબારી ચેરમેન અનિરુદ્ધભાઈ વાળા સહિતના અગ્રણીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી તાત્કાલિક સમગ્ર તાલુકાને નુકસાનગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, સમગ્ર જાફરાબાદ તાલુકામાં વરસાદને કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે, પરંતુ સરકારી સર્વેમાં માત્ર ૧૦ ગામોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ૪૨ ગામો ધરાવતા તાલુકાના ૩૨ ગામોના ખેડૂતો સહાયથી વંચિત રહી જશે. આ અન્યાય સામે સ્થાનિક ભાજપના અગ્રણીઓ પણ ખેડૂતોની સાથે ઊભા રહી રજૂઆત કરી રહ્યા છે. આ રજૂઆતમાં સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને કૌશિકભાઈ વેકરીયાને પણ સંબોધવામાં આવ્યા છે. પત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, ખેડૂતોને થયેલું પારાવાર નુકસાન ધ્યાનમાં લઈને સરકાર દ્વારા બાકી રહેલા ૩૨ ગામોનો પણ સમાવેશ કરવામાં આવે અને સમગ્ર તાલુકાને યુદ્ધના ધોરણે નુકસાનગ્રસ્ત જાહેર કરી સહાય પેકેજનો લાભ આપવામાં આવે.