જાફરાબાદથી ૧૮ નોટિકલ માઈલ દૂર દરિયામાં તોફાની પવન અને વરસાદને કારણે બે બોટ ડૂબી ગઈ છે. આ ઘટનામાં જાફરાબાદની ‘જયશ્રી તાત્કાલિક’ બોટ, દેવકી બોટ અને ઉનાના રાજપરાની ‘મુરલીધર’ બોટનો સમાવેશ થાય છે. બંને બોટમાં નવ-નવ ખલાસીઓ સવાર હતા.આ ઘટનામાં ત્રણેય બોટના પાંચ-પાંચ ખલાસીઓને અન્ય બોટધારકોએ બચાવી લીધા છે, દેવકી બોટના ત્રણ ખલાસીઓ જ્યારે બીજી બે બોટના ચાર-ચાર ખલાસીઓ લાપતા છે. આમ, કુલ આઠ ખલાસીઓની શોધખોળ ચાલી રહી છે. હવામાન ખરાબ હોવાને કારણે કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર રેસ્ક્યુ માટે પહોંચી શક્યું નથી. આ વાતાવરણને કારણે માછીમારી માટે ગયેલા તમામ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે.
જાફરાબાદની ૪૦૦ જેટલી બોટ દરિયામાં છે: કનૈયાલાલ સોલંકી
જાફરાબાદની એક બોટ અને ઉનાના રાજપરા બંદરની એક બોટે જળસમાધી લીધી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ત્યારે ખારવા બોટ એસો.ના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું છે કે દરિયો તોફાની બન્યો છે. એક કલાકમાં એક નોટિકલ માઈલ પણ બોટ દરિયામાં ચાલી શકતી નથી. જાફરાબાદની કુલ ૪૦૦ જેટલી બોટ દરિયામાં છે જે ધીમે-ધીમે પરત આવી રહી છે. દરિયામાં એટલો કરંટ છે કે કોસ્ટગાર્ડ પણ દરિયામાં રેસ્ક્યૂ માટે જઈ શકતી નથી. રાત્રીના રેસ્ક્યૂ થઈ શકે તેમ નથી. સવારે વાતાવરણ સાફ હશે તો કોસ્ટગાર્ડની ટીમ રેસકયૂ માટે જશે. હાલ તો વાયરલેસના માધ્યમથી તમામ બોટ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે.








































