એકવાર મગ અને ચણો એક ડબ્બામાં ભેગા થઈ ગયા. એકબીજાને મળીને બંને ખુશખુશ થઈ ગયા. મગ કહે, “હું નાનો ને તું મોટો. પણ આપણા બંને વિના રસોઈનો સ્વાદ અધૂરો જ ગણાય.”
“હા હોં! તારી વાત સાચી. પણ હવે આપણે છેક ખેતરથી આ ડબ્બા સુધી પહોંચી ગયા છીએ. હવે આપણું આયુષ્ય ઘણું જ થોડું રહ્યું છે એમ સમજ! આપણે થોડાક જ કલાકોના કે દિવસોના મહેમાન છીએ એવું મને લાગે છે!”
ચણાની વાત સાંભળી મગ સળવળ્યો અને બોલ્યો, “અરે! અરે! આમ કેમ! આ તમે કેવી વાત કરો છો! એવું તે કાંઈ હોતું હશે?”
ચણો બધું જાણતો હતો. એણે મગને સમજાવતાં કહ્યું, “અરે ભાઈ! તું તો સાવ બુદ્ધુ જ રહ્યો. હવે તને કે મને પાણીમાં પલાળશે ને ગરમ તાવડીમાં લ્હાય જેવા તેલમાં નાખીને ઉકાળશે. એટલે સમજવું કે હવે આપણે ઓહ્યા થઈ જવાના!”
“પણ મારે આટલી જલદી કોઈના મોંનો કોળિયો નથી થવું ભાઈ! મારે તો હજુ ફરવું છે. ઊંચું આકાશ, ઊંડો સમુદ્ર, ઘનઘોર જંગલ- આ બધુંય જોવાની કેવી મજા પડે!” વિસ્મય સાથે મગ બોલ્યો.
“તારી વાત તો સાવ સાચી છે હોં! આ બધે ફરવાની ને અવનવું જોવાની મજા પડી જાય! પણ આપણે બંને તો આ ડબ્બામાં કેદ છીએ. આપણે અહીંથી જઈશું કેવી રીતે?”
બંનેની વાત ચાલુ હતી. ત્યાં જ ડબ્બો સહેજ સળવળ્યો. ડબ્બો થોડુંક આગળ પણ ખસ્યો. બંને મિત્રો ગભરાઈને ડબ્બામાં લપાઈ ગયા. એમને કાંઈ સમજાયું નહીં. એટલામાં ડબ્બો બોલ્યો, “અરે મિત્રો, તમે સહેજ પણ ગભરાશો નહીં. હું જાદુઈ ડબ્બો છું. મારી પાસે અનોખી શક્તિ છે. તમે કહેશો
આભાર – નિહારીકા રવિયા ત્યાં હું તમને લઈ જઈશ. તમે જરાય ચિંતા કરશો નહીં.”
ડબ્બાની વાત સાંભળી મગ અને ચણો ખુશીથી ઉછળી પડ્‌યા. હવે તેમને મનપસંદ જગ્યાની મુસાફરી કરવાની તક મળી હતી. જાદુઈ ડબ્બાની મદદથી તેમની મુસાફરી શરૂ થઈ. પહેલાં તેઓ એક જંગલમાં ગયા. ત્યાં તેમને ઘણાં રંગબેરંગી ફૂલ, અવનવાં ઝાડવાં ને નાનાં-મોટાં પશુ-પંખી જોયાં. આગળ જતાં તેઓ એક સમુદ્રના કિનારે પહોંચ્યા. રંગબેરંગી સુંદર માછલીઓ અને શંખ જોઈ બંને રાજીરાજી થઈ ગયા. ડબ્બાની સાથે તેઓ સમુદ્રની ઊંડાઈ સુધી પણ જઈ આવ્યા. દૂર ઉંચા આકાશે જઈ વાદળો સાથે રમી આવ્યા. આજે મગ અને ચણાની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ. બંનેએ ખુબ મજા કરી.
જાદુઈ ડબ્બો કહે, “ચાલો ચાલો હવે, આપણે પાછા પણ જવાનું છે હોં! તમે બેઉ જણા ફરવાના જબરા શોખીન! જંગલ, દરિયો, આકાશ આ બધે તમને ફેરવી ફેરવીને હવે હું પણ થાકી ગયો છું. ચાલો હવે, પાછા વળીએ.”
“હા ડબ્બાભાઈ હા! તમારો ખુબ ખુબ આભાર. આ તમે અમને મળી ગયા ને અમે બધુંય ફરી શક્યા. અમારું સ્વપ્ન પુરું થયું. ચાલો હવે પાછા વળીએ.” – એમ કહેતાં બધાય પાછા વળ્યા.
Mo ૯૦૯૯૧૭૨૧૭૭