એક ઘટાદાર અને લીલુંછમ જંગલ હતું. આ જંગલમાં અનેક પ્રાણીઓ રહેતા હતા, પણ એ બધામાં સૌથી વધુ તોફાની જો કોઈ હોય, તો તે હતો લાલુ વાંદરો. લાલુ આખો દિવસ એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદયા કરે, બીજાં પ્રાણીઓની નકલ કર્યા કરે અને નવા-નવા પરાક્રમ કરતો રહે. લાલુને અવનવી વસ્તુઓ ભેગી કરવાનો ભારે શોખ હતો. ક્યારેક તેને કોઈની ખોવાયેલી પેન મળી જાય તો ક્યારેક ચશમાં!
એક વખત લાલુ જંગલના રસ્તે મસ્તીમાં જતો હતો, ત્યાં એની નજર એક ઝાડ નીચે પડી. ત્યાં એક લાલ રંગની, ગોળ અને મોટ્ટી-મોટ્ટી ટોપી પડી હતી. આ સરસ મજાની મોટ્ટી મોટ્ટી ટોપી જોઈ લાલુની આંખો ચમકી ઊઠી! એણે દોડીને ટોપી ઉઠાવી લીધી. એને લાગ્યું કે આ તો રાજા જેવી ટોપી છે. જો હું ટોપી પહેરીશ તો રાજા જેવો દેખાઈશ. એણે હરખાઈને ટોપી માથા પર પહેરી લીધી. પણ આ શું? ટોપી તો લાલુના માથા કરતાં બહુ મોટી હતી!
જેવી એણે ટોપી પહેરી કે તરત જ તે લાલુના કપાળથી નીચે ઊતરીને છેક એના નાક અને મોઢા સુધી આવી ગઈ. લાલુને તો હવે કાંઈ દેખાતું જ નહોતું. બધું જ અંધારું-અંધારું! લાલુને લાગ્યું કે આ તો કોઈ જાદુઈ ટોપી છે જેણે દુનિયા ગાયબ કરી દીધી. લાલુએ તો અંધારામાં જ નાચવાનું શરૂ કર્યું અને મોટે મોટેથી આ જોડકણું ગાવા લાગ્યોઃ
લાલ ટોપી, ગોળ ટોપી,
માથા ઉપર બેઠી ટોપી!
આંખ છુપાઈ, નાક છુપાયું,
લાલુને તો કાંઈ ન દેખાયું!
હું તો ચાલું ડગમગ ડગમગ,
રસ્તો મારો ઝગમગ ઝગમગ!
કોણ છે આગળ? કોણ છે પાછળ?
ટોપી મારી આગળ પાછળ!
લાલુ ટોપી પહેરીને ચાલવા લાગ્યો. એને કશું દેખાતું નહોતું. રસ્તામાં બિચારો મીઠુ પોપટ મરચું ખાતો હતો. લાલુનો પગ મીઠુની પૂંછડી પર પડ્યો! મીઠુ બોલ્યો, ‘‘અરે લાલુ! જોઈને ચાલ ને !’’ પણ લાલુને તો સંભળાય જ નહીં. એ તો પોતાની ધૂનમાં ગાતો-ગાતો આગળ જતો હતો.
થોડે દૂર ભોલો હાથી આરામથી બપોરની ઊંઘ ખેંચતો હતો.ભોલાભાઈ તો પહાડ જેવા મોટા હતા. લાલુને તો કંઈ જ દેખાતું નહોતું, એટલે એ સીધો જઈને ભોલા હાથીના મોટા પેટ સાથે ભટકાયો. ‘‘ધબ્બ!’’ અવાજ આવ્યો. લાલુને લાગ્યું કે રસ્તામાં કોઈ નરમ પથ્થર આવ્યો છે. એણે તો વિચાર્યું, ‘‘લાવ, આ પથ્થર પર ચઢીને જોઉં.’’
લાલુ તો ઠેકડો મારીને હાથીના કાન પર જઈને બેસી ગયો. હવે ભોલા હાથીના કાનમાં લાલુની પૂંછડી અડી એટલે હાથીભાઈને તો જોરદાર ગલીપચી થવા લાગી! હાથીભાઈએ તો પોતાની લાંબી સૂંઢ ઊંચી કરી અને આખું જંગલ ગજવી મૂકે તેવી મોટી છીંક ખાધી— ‘‘આચ્છુઉઉં…આચ્છુઉઉં!’’
છીંક એટલી જોરદાર હતી કે લાલુ વાંદરો તો હવામાં ફુગ્ગાની જેમ ઊડ્યો! એ હવામાં ગોથાં ખાતો-ખાતો નીચે જઈને સીધો પાણી ભરેલા ખાબોચિયામાં ધબાક કરતો પડ્યો. ખાબોચિયાનું ગંદું પાણી ઊડ્યું અને લાલુ આખો ભીંજાઈ ગયો. ખાબોચિયામાં પડતાંની સાથે જ એની લાલ ટોપી ઊતરી ગઈ ને બાજુમાં પડી ગઈ.
લાલુએ આંખો ખોલી તો સામે ભોલા હાથી, મીઠુ પોપટ, ખિસકોલી અને હરણ બધા જ ઊભા હતા. લાલુનો આવો વેશ જોઈને બધાં પ્રાણીઓ હસવા લાગ્યા. લાલુએ જોયું તો પોતે કાદવમાં લથબથ હતો અને એની ‘જાદુઈ ટોપી’ બાજુમાં પડી હતી.
લાલુને પણ પોતાની મૂર્ખામી પર હસવું આવ્યું. એણે કાદવ ખંખેરતા ફરીથી ગાયું;
ટોપી ગઈ ખાડામાં, લાલુ પડ્યો કાદવમાં!
બધાં હસ્યાં હા-હા-હા, લાલુ બોલ્યો ના-ના-ના! ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭









































