જસ્ટીસ યશવંત વર્મા મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સંસદનું ચોમાસુ સત્ર સોમવાર, ૨૧ જુલાઈથી શરૂ થઈ ગયું છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે સરકાર સંસદના વર્તમાન ચોમાસુ સત્રમાં જસ્ટીસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, જસ્ટીસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ માટે તમામ પક્ષોના સાંસદોના હસ્તાક્ષર લેવામાં આવ્યા છે.

અત્યાર સુધી બહાર આવેલી માહિતી અનુસાર, નાના અને મોટા તમામ પક્ષોના સાંસદો જસ્ટીસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવના પક્ષમાં જોવા મળી રહ્યા છે. સૂત્રો અનુસાર, લગભગ ૧૫૦ સાંસદોએ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. સાંસદો દ્વારા સહી કર્યા પછી, હવે આ પ્રસ્તાવ લોકસભા અધ્યક્ષને આપવામાં આવશે.

સાંસદો દ્વારા સહી કરાયેલ પ્રસ્તાવ સ્વીકારવો કે ન સ્વીકારવો તે લોકસભા અધ્યક્ષના અધિકારમાં છે. જા પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો, એક સમિતિની રચના કરવામાં આવશે, જે આ મામલે એક થી ત્રણ મહિનામાં પોતાનો અહેવાલ આપશે. જા પ્રસ્તાવ અમલમાં આવશે, તો ગૃહ શિયાળુ સત્રમાં જ મહાભિયોગ પ્રસ્તાવ પર કાર્યવાહી કરશે.

આ સમગ્ર વિવાદ ૧૪-૧૫ માર્ચની રાત્રે શરૂ થયો હતો. આ દિવસે, દિલ્હી હાઈકોર્ટના તત્કાલીન ન્યાયાધીશ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગી હતી. જ્યારે અગ્નીશામક ટીમ ત્યાં પહોંચી, ત્યારે તેમને સ્ટોર રૂમમાં બળી ગયેલા ૫૦૦ રૂપિયાના બંડલ મળ્યા. આ પછી ઘણો હોબાળો થયો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે ત્રણ ન્યાયાધીશોની આંતરિક તપાસ સમિતિની રચના કરી. ન્યાયાધીશોના પેનલે જસ્ટીસ વર્મા અને તેમના પરિવારને “પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે” રોકડ રાખવા માટે જવાબદાર ઠેરવ્યા. પેનલે કહ્યું કે આગ લાગ્યા પછી, રાતોરાત રોકડ કાઢી નાખવામાં આવી હતી અને પુરાવા જાણી જોઈને નાશ કરવામાં આવ્યા હતા. તપાસ રિપોર્ટ બહાર આવ્યા પછી, સુપ્રીમ કોર્ટના તત્કાલીન સીજેઆઈ સંજીવ ખન્નાએ તેને મહાભિયોગની ભલામણ સાથે ભારતના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મોકલ્યો હતો.