ગુજરાતમાં માદક પદાર્થોના ગેરકાયદેસર વ્યવહાર સામે પોલીસ તંત્રની સતત કાર્યવાહી ચાલુ છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આ ઝુંબેશ હેઠળ મોટો કિસ્સો બહાર આવ્યો છે. રાજકોટ રૂરલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ રાણીંગપર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં દરોડો પાડી રૂ.૭૧.૩૨ લાખની કિંમતના ગાંજાના વાવેતરનો ભાંડાફોડ કર્યો છે. પોલીસે ખેતરમાંથી કુલ ૧૪૨ કિલોગ્રામ વજનના ગાંજાના લીલાછોડ જપ્ત કર્યા છે. માધક પદાર્થ વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન SOG ટીમને હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ અને ચંદુભાઈ પલાળીયા દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે રાયધન રત્નાભાઈ સોમાણી નામનો ખેડૂત પોતાની વાડીમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર કરી રહ્યો છે. પીઆઈ એફ.એ. પારગી તથા પીએસઆઇ કે.એમ. ચાવડા સહિતની ટીમે તાત્કાલિક દરોડો પાડતા આખા ખેતરમાં વ્યાપક પ્રમાણમાં ગાંજાના છોડ મળ્યા હતા. પોલીસે સ્થળ પરથી મુદ્દામાલ જપ્ત કરીને વાડી માલિક રાયધન સોમાણીની ધરપકડ કરી હતી. તેની પાસેથી મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૭૧.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. વધુમાં, રાયધન સોમાણી સામે અગાઉ જુગાર અને વાહન ચોરી જેવા ગુના નોંધાયા હોવાની માહિતી મળી છે. ભાડલા પોલીસે તપાસ શરૂ કરી છે.