જસદણ નગરી જાણે કે ખાડાની નગરી બની ગઈ હોય તેમ શહેરની મેઈન બજાર સહિતના રસ્તાઓ જાણે કે ખાડામાં ગરકાવ થઈ ગયા હોય તેવી બદતર હાલતમાં ફેરવાઈ ગયા છે. જેમ કે, જસદણના બન્ને ગૌરવપથ, આટકોટ રોડ, બાયપાસ સર્કલ, મેઈન બજાર, ખાનપર રોડ, પોલારપર રોડ, ગઢડીયા રોડ, નવા બસસ્ટેન્ડ સહિતના તમામ મુખ્ય રાજમાર્ગોની સ્થિતિ વધુ વણસી ગઈ છે. હાલ જસદણ શહેરમાં પ્રવેશ કરવાથી માંડી રાજમાર્ગો સહિતના રસ્તાઓ ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયા હોવાથી અનેક નાના-મોટા વાહનો ફસાઈ જવા તેમજ સ્લીપ થવાના બનાવો વધી રહ્યા છે. જસદણની મેઈન બજાર સહિતના રોડ-રસ્તાઓની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે, દૂરબીનથી રસ્તાને શોધો તોય ‘રસ્તો’ ન જડે. લોકોની જ્યાં નજર પડે ત્યાં બસ ખાડા જ જોવા મળી રહ્યા છે. જસદણ નગરપાલિકા તંત્રને આવા ખખડધજ રસ્તાનો કોઈ ‘રસ્તો’ જ જડતો નથી. જેથી વિકાસના ખોટા બણગા ફૂંકનારા જસદણ નગરપાલિકાના પ્રમુખ અને પેધી ગયેલા સરકારી બાબુઓ દ્વારા જસદણ શહેરના ખખડધજ રોડ-રસ્તાઓનું યોગ્ય રિપેરીંગ કામ કરવામાં આવે તેવું જાગૃત લોકો ઈચ્છી રહ્યા છે.