જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું. આ ચૂંટણીમાં ૭૦ ટકા મતદાન થવાનો અંદાજ છે. જેએનયુ વિદ્યાર્થી સંઘ ચૂંટણી સમિતિ અનુસાર, ૬૯.૬ ટકાથી વધુ વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું. જોકે, આ ૨૦૨૩ માં નોંધાયેલા ૭૩ ટકા મતદાન કરતા થોડું ઓછું છે. કુલ ૭,૯૦૬ મતદારોમાંથી, લગભગ ૫,૫૦૦ વિદ્યાર્થીઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. કેમ્પસના ૧૭ કેન્દ્રો પર સવારે ૯ થી ૧ અને બપોરે ૨ઃ૩૦ થી ૫ઃ૩૦ વાગ્યા સુધી બે સત્રમાં મતદાન થયું.

મતદાન મોટાભાગે શાંતિપૂર્ણ રહ્યું હતું, જોકે કેટલાક સ્થળોએ વિલંબના અહેવાલો હતા, ખાસ કરીને ભાષા શાળા કેન્દ્રમાં, જ્યાં મતપત્ર પર બે ઉમેદવારોના નામ ગુમ થવાને કારણે મતદાન મોડું શરૂ થયું હતું.

આ વર્ષની ચૂંટણીઓમાં જરૂરી ફેરફારો જોવા મળ્યા. લાંબા સમયથી સંગઠિત ડાબેરી પક્ષ વિખેરાઈ ગયો છે. ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્‌સ એસોસિએશનએ ડેમોક્રેટિક સ્ટુડન્ટ્‌સ ફેડરેશન સાથે જોડાણ કર્યું, જ્યારે સ્ટુડન્ટ્‌સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ બિરસા આંબેડકર ફુલે સ્ટુડન્ટ્‌સ એસોસિએશન, ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્‌સ ફેડરેશન અને પ્રોગ્રેસિવ સ્ટુડન્ટ્‌સ એસોસિએશન સાથે મળીને એક અલગ મોરચો બનાવ્યો. શુક્રવારે મોડી રાત્રે મતગણતરી શરૂ થઈ હતી, જેમાં કાઉન્સીલર પદના પરિણામો પહેલા જાહેર થવાની અપેક્ષા છે. અંતિમ પરિણામો સોમવાર, ૨૮ એપ્રિલના રોજ જાહેર થવાની શક્યતા છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ સંપૂર્ણ પેનલ સાથે ચૂંટણી લડી છે જેમાં પ્રમુખ પદ માટે શિખા સ્વરાજ, ઉપપ્રમુખ પદ માટે નીટ્ટુ ગૌતમ, મહાસચિવ પદ માટે કુણાલ રાય અને સંયુક્ત સચિવ પદ માટે વૈભવ મીણાનો સમાવેશ થાય છે.

એઆઇએસએ-ડીએસએફ ગઠબંધને પ્રમુખ પદ માટે નીતિશ કુમાર, ઉપપ્રમુખ પદ માટે મનીષા, મહાસચિવ પદ માટે મુન્તેહા ફાતિમા અને સંયુક્ત સચિવ પદ માટે નરેશ કુમારને નામાંકિત કર્યા.

દરમિયાન એસએફઆઇ,બીએપીએસએ,એઆઇએસએફ પીએસએ બ્લોકે પ્રમુખ પદ માટે ચૌધરી તૈયબા અહેમદ, ઉપપ્રમુખ પદ માટે સંતોષ કુમાર, મહાસચિવ પદ માટે રામનિવાસ ગુર્જર અને સંયુક્ત સચિવ પદ માટે નિગમ કુમારને મેદાનમાં ઉતાર્યા છે.