એક હતી કીટ્ટુ કીડી. ચંચળ અને ચપળ. જરાય જંપ નહિ. આમ જાય, તેમ જાય. આમ દોડે, તેમ દોડે. આ ઘેરથી પેલે ઘેર. ઝટપટ ઝટપટ ચાલે ને દડબડ દડબડ દોડે. બેસે નહિ ને બેસવા દે નહિ.
એક વખત કીટ્ટુ આમતેમ દોડતી હતી. એવામાં એને એના મનગમતા ખોરાકની ગંધ આવી. કીટ્ટુને થયું, ‘વાહ! લાગે છે આજે કંઈક અલગ જમવાનું મળવાનું છે! લાવ, જોઉં તો ખરી કે પેલાં મીન્ટુ માસી શું લાવ્યાં છે.’ એમ વિચારતી વિચારતી કીટ્ટુ છેક રસોડા સુધી પહોંચી ગઈ. રસોડા પર એક બોક્સ પડ્‌યું હતું. એમાંથી જ પેલી સરસ મજાની મીઠી મીઠી ગંધ આવતી હતી. કીટ્ટુના મોંમાં પાણી આવી ગયું. પણ એ બાક્સ બંધ હતું. અંદર પહોંચવું કઈ રીતે! કીટ્ટુ બાક્સ પર ચઢી ગઈ. આજુ-બાજુ, ઉપર-નીચે બધે ફરી વળી. પણ બાક્સ બરોબર ફીટ હતું. ક્યાંયથી અંદર જવાય એવી જગ્યા ન હતી. કીટ્ટુએ ઘણા પ્રયત્નો કર્યા. આખરે તે સફળ થઈ ખરી. જેમતેમ કરી એક ખુબ નાનકડી જગ્યામાંથી કીટ્ટુ બોક્સની અંદર પહોંચી ગઈ.
અંદર પહોંચતાં જ કીટ્ટુએ જોયું કે એમાં તો જલેબી હતી. મીઠી મીઠી જલેબીનો ભંડાર જોઈ કીટ્ટુ રાજીરાજી થઈ ગઈ. એને થયું, ‘આજે તો પાર્ટી મળી પાર્ટી! આટલી બધી જલેબીનો ખજાનો!
જલ્લેબી રે જલ્લેબી!
ગોળગોળ જલ્લેબી!
જલ્લેબી રે જલ્લેબી!
મીઠ્ઠી મીઠ્ઠી જલ્લેબી!
મારી સહેલીઓને હમણાં જ બોલાવી લઉં. પણ લાવને પહેલાં થોડી ચાખી લઉં!’ એમ વિચારી કીટ્ટુએ મીઠી મીઠી જલેબીનો સ્વાદ માણવાનું શરૂ કર્યું. એટલામાં બાક્સ હલ્યું. કીટ્ટુને થયું નક્કી કોઈક આવી ગયું લાગે છે. લાવ સંતાઈ જાઉં. એમ વિચારી તે જલેબી વચ્ચે છૂપાઈ ગઈ.
થોડીવારમાં બાક્સ હલતું બંધ થયું. કીટ્ટુને થયું, ‘હાશ! બચી ગઈ!’ એમ વિચારી કીટ્ટુએ ફરીથી જલેબી ખાવાનું શરૂ કર્યું. કીટ્ટુ બરાબર જલેબી ખાવામાં મસ્ત હતી. થોડીવારમાં કીટ્ટુને ઠંડી લાગવા માંડી. ધીરેધીરે ઠંડક વધતી જતી હતી. કીટ્ટુને થયું, ‘નક્કી આ મીન્ટુ માસીએ બાક્સને ફ્રીઝમાં મૂકી દીધું લાગે છે. હાયહાય! હવે હું ઠરી જઈશ. હવે અહીંથી જલદી બહાર નીકળવું પડશે. નહિ તો થોડીવારમાં ઠરીને ઠૂસ થઈ જઈશ.’ એમ વિચારી કીટ્ટુ ફ્રીઝમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગી.
તે ચપળ અને ચબરાક હતી. ધીરેધીરે તે છેક ફ્રીઝના બારણા પાસે આવી ને લપાઈ ગઈ. મીન્ટુ માસીએ જેવું બારણું ખોલ્યું તે ઝટપટ ઝટપટ બહાર નીકળી ગઈ. કીટ્ટુ તો ભાગી! દોડતી જાય ને ગાતી જાય!
જલ્લેબી રે જલ્લેબી!
ગોળગોળ જલ્લેબી!
જલ્લેબી રે જલ્લેબી!
મીઠ્ઠી મીઠ્ઠી જલ્લેબી!
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭