આજે ભારતના વિકાસમાં સૌથી વધુ બાધાજનક બાબત હોય તો તે જ્ઞાતિવાદ છે. પોતપોતાની જ્ઞાતિ પકડીને બધા બેસી ગયા છે. અમારો સમાજ… અમારો સમાજ… એલા ભારતીય સમાજ જેવું કંઇ છે જ નહીં? જ્ઞાતિના નામે લાખોના ડોનેશન થશે. પણ ભારતીયતા એટલે કે હિન્દુત્વના નામે સહિયારી ભેંસમાં જીવડાં પડે છે. આના માટે એટલે કે હળહળતા જ્ઞાતિવાદ માટે ભારતીય વર્ણ વ્યવસ્થા? સામાન્ય માન્યતા એવી છે કે ભારતીય સમાજ વિગ્રહના મૂળ વર્ણ વ્યવસ્થામાં છે.
લેકિન યે બાત ગલત હૈ…
ભારતીય વર્ણ વ્યવસ્થા તો પ્રકૃતિના ગુણ આધારિત હતી. તે વંશ પરંપરા આધારિત કદાપિ ન હતી. બ્રાહ્મણના ઘરે શુદ્રો અને શુદ્રોના ઘરે બ્રાહ્મણના જન્મ થતા હતા. કૃષ્ણએ પણ ગીતામાં આ વાત સમજાવી છે. પણ કોઇને સમજવી નથી. આપણે ત્યાં માત્ર કર્મ આધારિત વર્ગ ઓળખ વ્યવસ્થા છે. બ્રાહ્મણ, શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિયની ટેગને બહુ ગંભીરતાથી લેવાની જરુર નથી. વિશ્વમાં બધું જ પરિવર્તનશીલ છે. એક જ વ્યક્તિની પ્રકૃતિ પણ બ્રાહ્મણત્વ, ક્ષાત્રત્વ, વૈશ્યપણું કે શુદ્રત્વ જેવા ગુણો પેરેલલ ધરાવી શકે છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એ કોઇ જ્ઞાતિ નથી. એ એક ઇમેજીનરી ટેગ છે. આ ટેગ એક જ વ્યક્તિમાં સમયાંતરે બદલાઇ શકે.
ઉદાહરણ : જેસલમાં એક સમયે ક્ષત્રિયના ગુણો હતા. પણ તે અમાનવીય હિંસાખોરી કરે છે ત્યારે શુદ્ર છે પણ સતિ તોરલના સંપર્ક પછી તે બ્રાહ્મણત્વ ધારણ કરે છે. બીજાના કલ્યાણનું કામ કે સેવા કરનાર દરેક વ્યક્તિ બ્રાહ્મણ છે. વાલ્મીકી જ્યારે લૂંટફાટ કરતા હતા ત્યારે તે શુદ્ર હતા. પણ ક્રૌંચવધની ઘટના પછી તે વાલ્મીકી ઋષિ બને છે તેથી તે બ્રાહ્મણ છે. એટલે શુદ્ર વ્યક્તિ પણ બ્રાહ્મણ બની શકે છે એ વાતનું સૌથી મોટું ઉદાહરણ વાલ્મીકી છે. રાવણ બ્રાહ્મણના ઘરે જન્મ્યો હતો પણ એના કર્મથી એ શુદ્ર છે. ધારો કે તમે એમ માનો છો કે શુદ્રને ત્યાં જન્મે તે શુદ્ર જ કહેવાય, તો વાલ્મિકીને તમે શુદ્ર કહેશો… પણ તો એની સામે તમારે એ વાતનો સ્વીકાર કરવો પડશે એ વાલ્મિકીએ લખેલી “રામાયણ”નું પરંપરાગત જતન બ્રાહ્મણોએ કર્યું છે. આમાં ક્યાંય જ્ઞાતિ તત્વ કે જ્ઞાતિવાદ નહોતો, નથી.
બ્રાહ્મણના ઘરે બ્રાહ્મણ જ જન્મે, શુદ્રના ઘરે શુદ્ર જ જન્મે, ક્ષત્રિયના ઘરે ક્ષત્રિય જ જન્મે તો તો સમાજ કુંઠિત થઇ જાય. અને એ કુઠિતતા ભારતીય વૈદિક સાયન્સને ક્યારેય મંજૂર નહોતી. ગીતાનો સિદ્ધાંત કહે છે : પ્રકૃતૈ: ક્રિયમાણાનિ કર્મચારી સર્વશઃ

તો પછી આજે પછી આજે આ વર્ણપ્રથામાં વંશાનુગતતા સ્વીકાર્ય અને રુઢ કેમ બની ગઇ છે? શા માટે આજે લોકો એવું સ્વીકારી રહ્યા છે કે બ્રાહ્મણ કુખે જન્મેલો શખ્સ બ્રાહ્મણ જ છે? શુદ્રનો પુત્ર શુદ્ર જ કેમ મનાય છે? ક્ષત્રિય જન્મ જેને જન્મ આપે તે વગર પરિક્ષાએ ક્ષત્રિય કેમ ગણાઇ જાય છે ? વેદકાલીન પ્રજાના સ્થાને કુંઠિત અને વિકૃત થઇ ગયેલી અને હિન્દુત્વને નબળું પાડનાર આ વ્યવસ્થા માટે જવાબદાર કોણ?
ના, આ સિસ્ટમ એરર માટે વેદો કે મનુસ્મૃતિ જવાબદાર નથી. વૈજ્ઞાનિક વર્ણપ્રથાને વંશાનુગત રુપ આપનાર છે વિધર્મીઓ, ખાસ કરીને અંગ્રેજો…
આ વાત તર્ક સાથે સમજીએ…
ભારતીય માનવ સમૂહનું જ્ઞાતિ આધારિત ડોક્યુમેન્ટેશન થયું એ બહુ જ મોટી અને વિઘાતક ઘટના છે. આ રીજીડ ડોક્યમેન્ટેશનના કારણે ભારતીય પરિવર્તનશીલતાને એક મોટી બ્રેક લાગી છે. ભારતીય ગતિશીલતાને ગતિહિન કરવાનું આ એક અતિબૌદ્ધિક કાવતરું હતું. (ક્રમશઃ)